)
Kitchen Hacks for Curd: ભારતીય રસોઈમાં દહીંનું ખાસ સ્થાન છે. રોજની રસોઈ ઉપરાંત અલગ અલગ પકવાન બનાવવામાં પણ દહીંની જરૂર પડે છે. છાશ, કઢી અને રાયતામાં દહીંનો ઉપયોગ સૌથી વધુ થાય છે. દહીં જમાવવા માટે દૂધમાં મેળવળ ઉમેરીને તેને સેટ થવા રાખવાનું હોય છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે ઘરમાં દહીં જમાવવા પૂરતું મેળવણ પણ ન હોય. તેના કારણે દહીં જામતું નથી અને દૂધ પણ બગડી જાય છે. જો આવું ક્યારેય તમારી સાથે થાય તો શું કરવું ચાલો તમને જણાવીએ. જો ઘરમાં મેળવણ ન હોય અને તમારે દહીં જમાવવું હોય તો દાદી નાની નો આ નુસખો ટ્રાય કરવો જેમાં તમે મેળવણ વિના દહીં જમાવી શકો છો.
લીલા મરચાંથી જામશે દહીં
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ લીલા મરચાંની મદદથી તમે દહીં સેટ કરી શકો છો. દૂધમાં લીલું મરચું ઉમેરીને દહીં બનાવી શકાય છે. લીલા મરચાંના ઉપરના ડાળખીના ભાગમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા હોય છે જે દૂધમાંથી દહીં બનાવવામાં મદદ કરે છે. લીલા મરચાં ને ગરમ દૂધમાં રાખી દેવું અને પછી દૂધને ઢાંકીને રાખી દો. મરચામાં રહેલા બેક્ટેરિયા દૂધને ફર્મેન્ટ કરી દેશે અને દહીં સરળતાથી જામી જશે.
લીલા મરચાથી દહીં જમાવવું
લીલા મરચાંથી દહીં જમાવવા માટે સૌથી પહેલા એક લીટર દૂધને સારી રીતે ઉકાળો. ત્યાર પછી દૂધને કોઈ સ્ટીલ કે માટીના વાસણમાં કાઢી લો. દૂધ હુંફાળું ગરમ રહે ત્યારે તેમાં ચારથી પાંચ લીલા મરચા પાણીથી ધોઈને ઉમેરી દો. ત્યાર પછી દૂધને ઢાંકીને 8 થી 10 કલાક માટે સેટ થવા દો. જો તમે રાત્રે આ પ્રોસેસ કરીને દૂધને રાખી દેશો તો સવારે ઘટ્ટ દહીં જામેલું મળશે.
જોકે મરચાંનો ઉપયોગ કરીને દહીં જમાવતી વખતે કેટલીક વાતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમકે દૂધ સાવ ઠંડુ ન હોવું જોઈએ. દૂધ હુંફાળું ગરમ હોય તે જરૂરી છે. દૂધમાં મરચા ઉમેરતા પહેલા તેને પાણીથી સારી રીતે સાફ કરી લેવા. દૂધમાં મરચા ઉમેરીને તેને ઢાંકીને રાખી દો પછી વારંવાર તેનું ઢાંકણું ખોલીને ન જોવું દૂધને ફર્મેન્ટ થતા આઠથી દસ કલાકનો સમય થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)