)
Cleaning Hacks: રસોડું ઘરની સૌથી વધારે એક્ટિવ જગ્યા છે, કારણ કે દિવસમાં ત્રણથી ચાર વખત રસોડામાં ભોજન બનતું હોય છે. રસોડું સૌથી વધારે ખરાબ પણ થાય છે. તેમાં પણ પ્લેટફોર્મ પરની ટાઇલ્સ અને સિંક ઉપરની જે ટાઇલ્સ હોય તેના પર ડાઘા ઝડપથી દેખાવા લાગે છે. આ જગ્યાની ટાઇલ્સ પર તેલની ચીકાશ અને મસાલાના ડાઘ પણ પડી જતા હોય છે. આ ટાઇલ્સને નોર્મલ પાણીના પોતાથી સાફ કરો તો ત્યાંથી ચિકાસ અને તેલ મસાલાના ડાઘ સારી રીતે નીકળતા નથી.
આ ડાઘને કાઢવા માટે જો તમે કેટલાક સરળ ઘરેલુ ઉપાયની મદદ લેશો તો ટાઇલ્સની ચીકાશ અને ડાઘ સરળતાથી નીકળી જશે. આજે તમને ટાઇલ્સ સાફ કરવાની આવી જ રીતે જણાવીએ જેની મદદથી પાંચ જ મિનિટમાં રસોડાની ચીકણી ટાઇલ્સ પણ ચકાચક થઈ જશે.
બેકિંગ સોડા તેલને સાફ કરવાનું કામ કરે છે. જો રસોડાની ટાઇલ્સ ચીકણી થઈ ગઈ હોય તો બેકિંગ સોડામાં થોડું પાણી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને જે જગ્યાએ ડાઘ હોય તે ટાઇલ્સ પર લગાવી દો અને પાંચ મિનિટ માટે છોડી દો. ત્યાર પછી વાસણ સાફ કરવાના સ્ક્રબનો ઉપયોગ કરી ટાઇલ્સને રગડીને સાફ કરી લો ચીકાશ નીકળી જશે.
વિનેગર
વિનેગર એક પ્રાકૃતિક ક્લીનર છે તેનો ઉપયોગ કરવા માટે એક સ્પ્રે બોટલમાં પાણી અને વિનેગર સમાન માત્રામાં ભરો. વિનેગરમાં ગરમ પાણી મિક્સ કરવું. આ મિશ્રણને ટાઇલ્સ પર છાંટો અને પાંચ મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી સ્પંજ ભીનું કરીને ટાઇલ્સ સાફ કરો ટાઇલ્સ પર દેખાતા ડાઘ અને તેલ 5 મિનિટમાં સાફ થઈ જશે.
ડીશ શોપ
વાસણ ધોવાનો સાબુ કે લિક્વિડ પણ ટાઇલ્સ સાફ કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. તેના માટે એક વાટકીમાં ગરમ પાણી કરો અને તેમાં લિક્વિડ ઉમેરો. આ મિશ્રણને સ્પંજની મદદથી ટાઇલ્સ પર લગાવો અને પાંચ મિનિટ રહેવા દો. ત્યાર પછી સ્પંજની મદદથી ટાઇલ્સ ઘસીને સાફ કરો. ડાઘ અને તેલ નીકળી જશે.
લીંબુનો રસ અને મીઠું
લીંબુનું એસિડ અને મીઠું નેચરલી ડાઘ હટાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે એક લીંબુના બે ટુકડા કરવા અને તેના પર મીઠું લગાડી ટાઇલ્સ પર ઘસવું. ટાઈલ્સ પર મીઠું અને લીંબુ સારી રીતે લગાડી પાંચ મિનિટ વેટ કરો. ત્યાર પછી હુંફાળા પાણીથી ટાઇલ્સને સાફ કરી લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)