)
White Hair Remedy: આજકાલ સફેદ વાળની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. કોલેજ જવાની ઉંમરમાં પણ યુવાનોના વાળ સફેદ થવા લાગે છે. નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થઈ જાય છે તેના કારણે લોકો કેમિકલ યુક્ત હેર કલરનો ઉપયોગ પણ ઝડપથી શરૂ કરી દેતા હોય છે. આ હેર કલર 10 થી 15 મિનિટમાં જ વાળનો કલર બદલી દે છે પરંતુ તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે તો વાળને નુકસાન થવા લાગે છે.
જો તમે કેમિકલ વિના નેચરલ રીતે સફેદ વાળને કાળા કરવા માંગો છો તો આજે તમને ઘરે હર્બલ હેર કલર કેવી રીતે બનાવવો તે જણાવીએ. આ રીતે બનાવેલા કલરમાં કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો નથી જેના કારણે વાળને નુકસાન થતું નથી. હેર કલર બનાવવામાં એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે વાળને પોષણ આપે છે. આ કલરની ખાસ વાત એ છે કે એક વખત તેને વાળમાં લગાડશો પછી તેનો કલર લાંબા સમય સુધી વાળમાં રહેશે તો ચાલો તમને જણાવીએ સફેદ વાળથી છુટકારો મેળવવાનો ઘરેલુ ઉપાય કર્યો છે.
નેચરલ વસ્તુઓથી હેર ડાઈ બનાવવાથી વાળને કાળો રંગ મળે છે અને સાથે જ તેના મૂળ પણ મજબૂત થાય છે. હર્બલ હેર કલર બનાવવા માટે મહેંદી, આમળા, જટામાસી, લીમડો જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી જ વસ્તુઓમાં એવા તત્વ હોય છે જે વાળને ડાર્ક બ્રાઉનથી બ્લેક શેડ આપે છે. જેના કારણે વાળ લાલ પણ થતા નથી. બ્રાઉન શેડના વાળ માટે આ રંગ એકદમ પરફેક્ટ રહે છે. હેર કલર બનાવવામાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે સેન્સિટિવ સ્કેલ્પ માટે પણ સેફ છે. આ વસ્તુઓથી બનાવેલો હેર કલર વાળમાં લગાડશો તો તે લાંબા સમય સુધી ટકશે.
હેર કલર કેવી રીતે બનાવવો?
નેચરલ હેર ડાઈ બનાવવા માટે મહેંદી પાવડર, ઈન્ડિગો પાઉડર, આમળા, જટામાસી, લીમડાના પાન, તજ, હળદર, ચા અથવા કોફીની જરૂર પડશે. સૌથી પહેલા પાણીમાં ચા અથવા તો કોફી બંનેમાંથી એક વસ્તુ ઉમેરી તેને ઉકાળો. પાણીનો રંગ બદલી જાય અને થોડું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી લો. હવે આ પાણીને ગાળી લો અને એક બાઉલમાં કાઢો. કોફીના પાણીમાં મહેંદી, આમળા, જટામાસી મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને થોડી કલાક માટે ઢાંકીને સેટ થવા દો. ત્યાર પછી તેમાં ઈન્ડિગો પાવડર અને બાકીની સામગ્રીઓનો પાવડર અથવા તો પેસ્ટ કરીને ઉમેરી દો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી સ્મુધ પેસ્ટ તૈયાર કરો. જો પેસ્ટ વધારે ઘાટી હોય તો થોડું પાણી ઉમેરી સ્મુધ કરી લો. આ વસ્તુના મિશ્રણને એક કલાક સેટ થવા દો.
હેર કલર લગાડવાની રીત
ઘરે તૈયાર કરેલો હેર કલર વાળમાં લગાડતા પહેલા વાળને એકવાર શેમ્પુ કરી લો. ત્યાર પછી વાળ એકદમ કોરા થઈ જાય પછી વાળના મૂળથી લઈને છેડા સુધી આ પેસ્ટ લગાવો. માથામાં કલર સારી રીતે લગાડી સાવર કેપ પહેરી લો . કલર લગાડ્યા પછી 45 મિનિટથી એક કલાક સુધી વાળમાં કલર રહેવા દો. એક કલાક પછી ફક્ત પાણીથી વાળ સાફ કરી લો જેથી વાળમાંથી પેસ્ટ નીકળી જાય. વાળને પહેલી વારમાં શેમ્પુ કરવાનું નથી. જો તમે ઈચ્છો તો બીજા દિવસે શેમ્પૂ કરી શકો છો.
આ હેર કલર લગાડશો એટલે પહેલી વારમાં ડાર્ક બ્રાઉન રંગ દેખાશે પરંતુ બેથી ત્રણ વખત ઉપયોગ કરી લેશો તો વાળમાં નેચરલ બ્લેક કલર દેખાવા લાગશે. જો માથામાં વધારે સફેદ વાળ હોય તો શરૂઆતમાં અઠવાડિયામાં એક વખત આ પેસ્ટ લગાડો. ત્યાર પછી મહિનામાં એક વખત આ પેસ્ટ લગાડશો તો પણ સફેદ વાળ આરામથી કવર થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)