)
Yoga Mudras for Glowing Skin: ચમકદાર,સાફ, સુંદર ત્વચા દરેક યુવતી ઈચ્છે છે. પરંતુ અનિયમિત લાઈફસ્ટાઈલ, આહારમાં પોષણનો અભાવ અને પ્રદૂષણ જેવા સ્કિનના દુશ્મનો આ ઈચ્છા પૂરી થવા દેતા નથી. જેના કારણે સ્કિન સુંદર દેખાય તે માટે મેકઅપ, હાઈલાઈટર અને કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ જો તમે હકીકતમાં ત્વચાની સુંદરતા વધારવા માંગો છો અને મોટી ઉંમરે પણ યુવાન દેખાવા માંગો છો તો નેચરલ ઉપાય અપનાવવા જોઈએ. આજે તમને અત્યંત અસરકારક અને સરળ મુદ્રાઓ વિશે જણાવીએ. નિયમિત રીતે આ 3 મુદ્રા કરવાથી પણ તમે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના સુંદર સ્કિન મેળવી શકો છો.
ત્વચાની સુંદરતા વધારતી મુદ્રાઓ
વરૂણ મુદ્રા
ગ્લોઈંગ સ્કીન માટે શરીરમાં પાણીનું લેવલ સંતુલિત રહે તે જરૂરી છે. આ કામમાં વરુણ મુદ્રા મદદ કરી શકે છે. આ મુદ્રા કરવા માટે સૌથી પહેલા સુખાસનમાં આરામથી બેસી જવું. ઊંડા શ્વાસ લેવા અને મનને શાંત કરવું બંને હાથને ઘૂંટણ પર રાખો અને હથેળી ઉપરની તરફ ખુલ્લી હોય એમ રાખો. ત્યાર પછી સૌથી નાની આંગળી અને અંગૂઠા ને એકબીજા સાથે જોડો. બાકીની 3 આંગળી સીધી રાખવી. આ મુદ્રામાં આંખ બંધ કરીને બેસો અને શ્વાસ પર ફોકસ કરો. થોડી મિનિટો સુધી આ મુદ્રામાં જ રહો.
અપાન મુદ્રા
અપાન મુદ્રા કરવાથી શરીરના ટોક્સિન બહાર નીકળી જાય છે અને ચહેરા પર નેચરલ સુંદરતા વધે છે. આ મુદ્રા નિયમિત કરવાથી ત્વચા ચમકદાર દેખાય છે. તેને કરવા માટે પહેલા સુખાસનમાં બેસી હાથને ઘૂંટણ પર રાખો અને હથેળી ઉપરની તરફ રાખો. ત્યાર પછી મધ્યમા આંગળી અને રીંગ ફિંગરને અંગૂઠા સાથે જોડો. પહેલી આંગળી અને સૌથી નાની આંગળીઓ સીધી રાખવી. આંખ બંધ કરીને શ્વાસ પર ફોકસ કરો. પાંચથી દસ મિનિટ આ મુદ્રામાં જ રહો.
મુકુલ મુદ્રા
આ મુદ્રા કરવાથી શરીરના પાંચ તત્વોનું બેલેન્સ જળવાઈ રહે છે. તે બોડીને હાઇડ્રેટ રાખે છે અને લાંબા સમય સુધી યુવાન દેખાવામાં મદદ કરે છે. આ મુદ્રા કરવા માટે સુખાસનમાં બેસીને બધી જ આંગળીઓને અંગૂઠા સાથે જોડો. ત્યાર પછી હાથને શરીરના એ ભાગ પર રાખો જ્યાં તમને હીલિંગની જરૂર હોય. ત્યાર પછી શ્વાસ પર ફોકસ કરી આંખ બંધ કરીને પાંચ મિનિટ સુધી આ મુદ્રામાં બેસો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)