અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા મોલમાં ઘુસી ગયા બે આતંકવાદી અને મચી અફરા-તફરી...!!!
અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલા 'અમદાવાદ વન મોલ'માં શુક્રવારે પોલીસ દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. અહીં અચાનક જ ઉતરી પડેલા પોલીસના મોટા કાફલાને જોઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું. તેમાં પણ જ્યારે NSG કમાન્ડો હાથમાં હથિયાર સાથે નીચે ઉતર્યા ત્યારે લોકોમાં થોડા સમય માટે દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. પછી જ્યારે જાણ્યું કે, આ મોક ડ્રીલ છે ત્યારે લોકોને હાશકારો થયો હતો.
જમ્મુ કાશ્મીરમાંથી કલમ-370 નાબુદ કરાયા બાદ ગુજરાતમાં આતંકવાદી હુમલો થવાના આઈબી ઈનપુટના પગલે ગુજરાત પોલીસ હાલ એલર્ટ મોડ પર છે. પોલીસે એરપોર્ટ, એસ ટી સ્ટેન્ડ,રેલવે સ્ટેશન, મલ્ટીપ્લેકસ, કોમ્પલેકસ, મોલમાં સુરક્ષાને લઈને ચેંકીગની સાથે ત્રાસવાદીઓ સામે એલર્ટ રહેવા અને લોકોને જાગૃત કરવા માટે આ મોકડ્રીલનું આયોજન કર્યું હતું.
મોક ડ્રીલ અંગે માહિતી આપતી ઝોન-1ના ડિસીપી પ્રવિણ માલે જણાવ્યું કે, "આજે અમને સવારે કન્ટ્રોલ મેસેજ મળ્યો હતો કે, અમદાવાદ વન મોલમાં બે આતંકવાદી હથિયાર સાથે ઘુસી આવ્યા છે. આ મેસેજ મળતાંની સાથે જ સૌ પ્રથમ એટીએસને જાણ કરી હતી. આથી, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમ NSG કમાન્ડો, SOG ક્રાઈમ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમને લઈને અમદાવાદ વન મોલમાં પહોંચી હતી."
DCP પ્રવીણ માલે મોક ડ્રીલ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, "મોલ ખાતે પહોંચ્યા પછી સૌથી પહેલા મોલના ઓપરેશન હેડ, સિક્યોરિટી હેડને સાથે રાખીને મોલમાં હાજર લોકોને એલર્ટ કર્યા હતા. ત્યાર પછી સૌથી પહેલા તો મોલ ખાલી કરાવાયો હતો. ત્યાર પછી આતંકવાદી ક્યાં છુપાયેલા છે તેનું લોકેશન શોધ્યું હતા. બે આતંકી હતા, જેમાંથી એકને ઠાર મરાયો હતો અને એકને જીવતો પકડ્યો હતો. આ અથડામણમાં એક જવાન ઘાયલ થયો હતો. આમ, સુરક્ષિત રીતે સમગ્ર ઓપરેશન પાર પડાયું હતું."
ડીસીપી પ્રવીણ માલે સફળ મોક ડ્રીલ પછી જણાવ્યું કે, "મોલની સિક્યોરિટી એજન્સીઓએ આતંકવાદી પ્રવૃત્તિ અંગે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પાસેથી વિશેષ તાલીમ મેળવવી જોઈએ. જેથી, આવી કોઈ ગંભીર સ્થિતિમાં તેઓ નાગરિકોને પ્રાથમિક સુરક્ષા પુરી પાડી શકે."
આ મોક ડ્રીલ દરમ્યાન પોલીસે લોકોને આ પ્રકારની પરિસ્થીતીમાં પોતાની સુરક્ષાને લઈને શું કરવું જોઈએ તેની તાલીમ આપી હતી. જયારે કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યકિતની માહિતી મળે તો પોલીસનો સપંર્ક કરવાની સાથે પોતાની સુરક્ષાને લઈને લોકોને જાગૃત કરાયા હતા. આ મોકડ્રીલમાં ત્રાસવાદી હુમલાની સ્થિતિમાં શું કરવું જોઈએ તેના અંગે સ્કુલના બાળકોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા. સાથે જ મોક ડ્રીલ દ્વારા પોલીસ કે સુરક્ષા એજન્સીઓ કેટલી એલર્ટ અને સક્રીય છે તે તમામ મુદ્દાને લઈને સમીક્ષા કરવામાં આવી હતી.