સાધારણ શરૂઆતથી શિખર સુધીની સફર, જાણો કયા સમયે કયા પદ પર રહ્યાં વિજય રૂપાણી
vijay rupani Political Journey: અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. આજે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પાંચ વર્ષ સુધી ગુજરાતની સત્તા સંભાળી ચૂકેલા વિજય રૂપાણી હંમેશા એક સામાન્ય માણસની જેમ જીવ્યા હતા. તેઓ CM એટલે કે કોમનમેન રહ્યાં. આજે લોકો તેમની સાગદીને યાદ કરી રહ્યા છે. અમે તમને વિજય રૂપાણીની રાજકીય સફર વિશે માહિતી આપીશું.
હંમેશા કોમનમેન બનીને રહ્યા વિજય રૂપાણી
વિજય રૂપાણીએ સામાન્ય કાર્યકર્તા તરીકે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી અને ગુજરાતમાં સત્તાના શિખર સુધી પહોંચ્યા હતા. પરંતુ એક વાત ખાસ હતી કે સાદગી હંમેશા વિજય રૂપાણી સાથે રહી. તેઓ મુખ્યમંત્રી હતા તો પોતાની ગાડી પરથી સાયરન દૂર કરી દીધું હતું. વિજય રૂપાણી હંમેશા કહેતા હતા કે CM એટલે કોમનમેન.
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956 ના રોજ મ્યાનમાર (તે સમયે બર્મા) ના યાંગોન શહેરમાં થયો હતો. તેઓ તેમના પિતા રમણીકલાલ રૂપાણી અને માતા માયાબેનના સાત બાળકોમાં સૌથી નાના હતા. તેમના પિતા વ્યવસાય માટે ત્યાં ગયા હતા. જોકે, 1960 માં મ્યાનમારમાં રાજકીય ઉથલપાથલને કારણે તેમનો પરિવાર ભારત પાછો ફર્યો અને ગુજરાતના રાજકોટ શહેરમાં સ્થાયી થયો.
રાજકોટમાં ઉછરેલા રૂપાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું, જ્યાં તેમણે BA અને LLB ની ડિગ્રી મેળવી. વિદ્યાર્થી જીવનથી જ તેઓ રાષ્ટ્રવાદી વિચારધારા તરફ આકર્ષાયા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માં જોડાયા.
1971 માં, રૂપાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા અને અહીંથી તેમના જાહેર જીવનનો પાયો નંખાયો. 1975 માં કટોકટી દરમિયાન, તેઓ લોકશાહીના રક્ષણ માટે આગળ આવ્યા અને 11 મહિના જેલમાં વિતાવ્યા.
1996-97માં, તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બન્યા. આ પછી, તેમની રાજકીય કારકિર્દી ઝડપથી આગળ વધી. 1998માં, તેમને ગુજરાત ભાજપના રાજ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
2006માં, વિજય રૂપાણીને ગુજરાત પ્રવાસન નિગમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તે જ વર્ષે, તેઓ રાજ્યસભામાં ચૂંટાયા અને 2012 સુધી, તેમણે ઉપલા ગૃહમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.
2013માં, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
2014માં, વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. આ પછી, તેમને આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા.
2016મા વિજય રૂપાણીને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તે વર્ષે 7 ઓગસ્ટે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વિજય રૂપાણીના નેતૃત્વમાં જીત મેળવી અને તેઓ ફરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે 2021 સુધી આ પદ સંભાળ્યું અને રાજ્યની રાજનીતિમાં સ્થિરતા તથા સુશાસનનું પ્રતીક બનેલા રહ્યા.
વિજય રૂપાણીએ ભાજપ મહિલા મોર્ચાના સભ્ય અંજલીબેન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. એક પુત્રનું નાની વયે નિધન થઈ ગયું હતું.
Trending Photos