Gujarat Weather Update: ગુજરાતમાં હાલમાં ગરમી અને કમોસમી વરસાદ એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની નવી આગાહી અનુસાર, પાડોશી રાજ્ય રાજસ્થાન તરફ એક નવી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 27મી એપ્રિલ સુધી ગરમી વધવાની આગાહી કરી છે તો બીજી તરફ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માવઠાની શક્યતાઓ વચ્ચે ગરમીમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
1/5દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે વરસાદી માહોલ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે ખાસ કરીને અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીની સાથે બફારાવાળું વાતાવરણ રહેશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફની રહેવાની શક્યતા છે.
2/5આગામી 22 એપ્રિલથી રાજ્યમાં ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં મહત્તમ તાપમાન 42°Cની આસપાસ પહોંચી જવાની શક્યતા છે, જેને કારણે લોકોએ આકરા તાપનો સામનો કરવો પડશે. આગાહી અનુસાર 26 એપ્રિલથી મે મહિનાની શરૂઆત સુધી ફરી આકરી ગરમી પડશે. આ દરમિયાન આરબ દેશોની 'કાળી આંધી' ચડી આવવાની પણ શક્યતા છે. વધુમાં, 17 મે બાદ અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાવાની પણ પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
3/5અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં થોડાક જ દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. એપ્રિલના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં પણ વરસાદી ઝાપટાંની સાથે કરા પડવાની શક્યતા છે. ખાસ કરીને મે મહિનામાં ગાજવીજ સાથે અચાનક વરસાદી માહોલ સર્જાઈ શકે છે. વરસાદી આગાહીની સાથે જ અંબાલાલ પટેલે આકરી ગરમીનો સંકેત પણ આપ્યો છે.
4/5ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને ચિંતાજનક આગાહી કરી છે. બીજી બાજુ આ વર્ષે ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાનો અંદાજ છે. જ્યારે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. ત્યારબાદ તે આગળ વધતા ભોપાલ સહિત મધ્ય ભારતમાં 15 થી 20 જૂન વચ્ચે દસ્તક દેશે. ગરમી અને ભેજનું ઊંચું પ્રમાણ લોકોની મુશ્કેલીમાં વધારો કરશે.
5/5હવે ચોમાસાની વાત કરીએ તો જૂન આસપાસ અલ નીનોની સ્થિતિ વિકસી શકે છે. આ સામાન્ય રીતે ભારતમાં ચોમાસાને નબળું પાડે છે, જેનાથી વરસાદમાં ઘટાડો અને વિરામની સ્થિતિ સર્જાઈ શકે છે. 28 એપ્રિલથી પશ્ચિમ વિક્ષેપની અસરના કારણે હવામાનમાં ફરી એકવાર ફેરફાર જોવા મળશે. આ પશ્ચિમ વિક્ષેપની અસરથી મે મહિનાની શરૂઆતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે છે.