આંધી-વંટોળ સાથે ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, ચક્રવાતની પણ સંભાવના, અંબાલાલ-હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: એક તરફ ઉનાળો ચાલી રહ્યો હતો અને ગુજરાતમાં કમોસમી વરસાદ આવી પડ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થયું છે. આ વચ્ચે મે મહિનામાં કમોસમી વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા એકાદ અઠવાડિયાથી ગુજરાતમાં જાણે ચોમાસુ બેસી ગયું હોય તેવી સ્થિતિ છે. મે મહિનામાં જ્યાં આકરો તાપ પડવો જોઈએ, તેની જગ્યાએ અષાઠ જેવો ધોધમાર ગુજરાતભરમાં થઈ રહ્યો છે. ભરઉનાળે આવેલા વરસાદે એક તરફ ખેડૂતોના પાકનો સોથ વાળી દીધો છે. ત્યારે હજુ પણ 2થી 3 દિવસ જગતના તાત માટે ભારે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના ભાગોમાં ભારે વરસાદ થશે.
શું છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું કે આવતીકાલ એટલે કે 13 મેએ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મૂશળધાર વરસાદની સાથે-સાથે ચક્રવાતના એંધાણ આપ્યા છે. અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો 15થી 19 મે વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ આવશે. ભાવે વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે. આ સાથે અંબાલાલે જણાવ્યુ કે 25 મેથી 4 જૂન વચ્ચે સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે. 25 મેથી 4 જૂનના રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે છે. અરબી સમુદ્રની સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.
ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસું - અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતા કહ્યું કે, 25 મેથી 4 જુન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. 28 મેથી 4 જુન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. 13 મેથી અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતા છે. તેના બાદ 28 મેથી 4 જુન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
Trending Photos