ચોમાસાની તારીખ આવી ગઈ, પણ વરસાદ કેમ આવતો નથી, હવામાન વિભાગે કરી નવી આગાહી
Gujarat Monsoon 2025 Prediction : આ વર્ષે કેરળ-મુંબઈમાં ચોમાસું વહેલું આવ્યું, આ ચોમાસું હવે ધીરે ધીરે આગળ પણ વધ્યું છે. પરંતું ગુજરાતમાં હજી સુધી પહોંચ્યું નથી. ત્યારે ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે અને ક્યારે કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળશે તેની આગાહી આવી ગઈ છે.
આ દિવસથી ગુજરાતમાં સક્રિય થશે ચોમાસું
આઈએમડીએ કરેલી આગાહી મુજબ 18 જૂન સુધીમાં મધ્યભારતના કેટલાક બાકીના ભાગો ઉપરાંત પૂર્વમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઈ શકે છે. ઉત્તરપશ્ચિમના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદનો અંદાજ મૂકવામાં આવે છે. સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થયા બાદ પખવાડિયા સુધીમાં ગુજરાત અને દિલ્હી સહિતના ભાગોમાં વરસાદા પડવાની સંભાવના રહે છે.
પરેશ ગોસ્વામીની આગાહી
દેશમાં નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલું ચોમાસું શરૂ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. જો કે નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું. ત્યારે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હતી. જેના પરિણામે ચોમાસું ગુજરાત તરફ આગળ વધતું અટકી ગયું હતુ. હાલ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં તાપમાન ઊંચુ જોવા મળી રહ્યું છે અને અસહ્ય બફારાથી પરસેવે રેબઝેબ થઇ રહેલા લોકો કાગડોળે ચોમાસાની રાહ જોઇ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં તાપમાન અને ચોમાસાના આગમનને લઇને મોટી આગાહી કરી છે.
આ દિવસથી બફારાથી મુક્તિ મળશે
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ જૂન મહિનાનું બીજુ અઠવાડિયું ચાલી રહ્યું છે, જેમાં સામાન્ય રીતે જે તાપમાન હોવું જોઇએ તેના કરતાં 2 ડિગ્રી ઊંચુ જોવા મળી રહ્યું છે. આ સાથે જ અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે. તેના કારણે બફારો અને ઉકળાટ વધી રહ્યા છે. હાલ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં તાપમાન 36 થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે, પરંતુ અસહ્ય બફારો રહેવાના કારણે હીટવેવનો અનુભવ થઈ રહ્યો છે. જૂન મહિનાના અંત સુધી ગરમીમાં કોઈ રાહત નહીં મળે. આગામી 16 જૂન પછી તાપમાનમાં ઘટાડો જરૂર થશે, પરંતુ અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત રહેશે.
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
આજે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લાનું આકાશ વાદળછાયું બન્યું છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાત્રિ દરમિયાન ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગરમાં વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્માના દામાવાસ, ચાંપલપુર, શ્યામનગરમાં વરસાદ નોંધાયો. વડાલીના નાદરી, દેલવાડા, કુબાધરોલ, ડોભાડા, અરસામડા, થેરાસણા, જુનાચામું સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ઈડરના કડિયાદરા સહીત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તો વિજયનગર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો.
Trending Photos