કારખાનાને તાળા મારીને ખેતી શરૂ કરી, ગુજરાતના આ ખેડૂતે ફરી કદી પાછળ વળીને નહિ જોયું....

Sun, 23 Aug 2020-9:50 am,

ડ્ર્રીપ ઈરિગેશન સિસ્ટમ દ્વારા સજીવ ખેતીમાં અનેરી સફળતા મેળવતા જિજ્ઞેશભાઇ કહે છે કે, ધ્રોલ વિસ્તારમાં સામાન્યત: પાણીની કટોકટી જોવા મળે છે. વિસ્તારમાં વરસાદ સામાન્ય અથવા તેનાથી ઓછો રહે છે. વળી ખેતીના અમારા વિસ્તારોમાં નજીક કોઇ ડેમ સાઇટ ન હોવાથી ભૂગર્ભ જળનો ઉપયોગ કરવાનો રહે છે, ત્યારે ટપક પધ્ધતિથી પિયત કરવી ખૂબ અનુકુળ રહે છે. ઓછું પાણી, ગુણવત્તાલક્ષી બીજ પ્રાપ્તિ અને વીજળીની બચત સાથે વધુમાં વધુ પાક મેળવી, સંપૂર્ણ ગુણવત્તાલક્ષી ઉત્પાદન અમે મેળવી શકયા છીએ. સાથે જ સંપૂર્ણ ગાય આધારિત ખેતી મારા ખેતરને, મારા પાકને કેમિકલથી મુક્ત રાખે છે અને તેથી જ મારા પાક ખરીદનાર લોકોને ગુણવતાલક્ષી પાક સાથે સ્વસ્થ જીવનની ભેટ આપી શકયાનો પણ અમને સંતોષ છે.  

દસ વર્ષથી ગાય આધારિત ખેતી કરતા જિજ્ઞેશભાઇ અને દિપ્તીબેન ખેતીની સતત નવી પદ્ધતિઓ, તેની નવી ટેક્નિકથી લઈ તેના માટેની નવી ટેકનોલોજીનો સતત અભ્યાસ કરતા રહે છે. અગાઉ બ્રાસપાર્ટનું કારખાનુ ચલાવતા જિજ્ઞેશભાઇએ દસ વર્ષ અગાઉ મંદી અને અન્ય મુશ્કેલીઓના સમયે કારખાનાને તિલાંજલી આપી ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો. વળી આ પ્રયાસોમાં તેમને આરંભમાં જ સરકારની સૌરઉર્જા સંચાલિત સિંચાઇ પંપ માટેની યોજનાનો લાભ મળ્યો. આ યોજના અંતર્ગત ખેડૂત દંપતીએ 5 હોર્સપાવરનું સોલાર કનેકશન લઇ ખેતીની શરૂઆત કરી હતી. આ યોજના માટે તેઓ આભાર માનતા કહે છે કે, ખેડૂતો માટે રાજ્ય સરકારની સોલારની યોજના અમારા માટે સાચે જીવનના અંધકારથી અજવાસ તરફ જવાની યોજના સાબિત થઇ છે. આ યોજનાના લાભ બાદ આજ દિન સુધી ખેતીમાં ક્યાંય પણ અટક્યા નથી.

ખેડૂત દંપતિ દ્વારા પોતે મેળવેલ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી “જશોદા ફાર્મ”ના નામ હેઠળ સ્વ હસ્તે જ વેચાણ કરવામાં આવે છે. આ માટે જામનગર, રાજકોટ, મોરબી, વાંકાનેર શહેરોમાં જિજ્ઞેશભાઇ વચેટિયા વગર જ સીધા ગ્રાહકોને વેચાણ કરે છે. આ ઉપરાંત ગાયના છાણ, કપૂર અને અન્ય ઔષધિઓ દ્વારા ધૂપસ્ટિક, પ્રાકૃતિક ફિનાઇલ “ગોનાઇલ”, રેડીયેશનને નાબૂદ કરવા માટેના ગાયના છાણ તથા ગૌમૂત્રથી બનાવવામાં આવતા ટેગનું પણ ઉત્પાદન કરી વેચાણ કરે છે. હાલમાં આ ખેડૂત દંપતી આધુનિક ખેતીથી મગ, અડદ, વાલ, ચણા, તુવેર જેવા કઠોળ, ઘઉં, બાજરી, મકાઈ જેવા ધાન્ય અને મગફળી, તલ જેવા તેલીબીયાનો તેમજ હળદર, આદુ જેવા પાક અન્ય શાકભાજીનો સફળ અને મબલખ પાક લે છે. સાથે જ ખેતીમાં સતત નવા પ્રયોગો કરતા રહેતા જિજ્ઞેશભાઇએ ચેરી જેવા અન્ય ફળોના વાવેતર કરી તેના સફળ પરિણામો મેળવવાની કામગીરી પણ હાલ ચાલુ કરી દીધી છે અને અન્ય ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી અને તેમાં પણ સફળ પરિણામ મેળવવાના પ્રયાસો કાર્યરત કરી દીધા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link