ભારતની આ નદીમાં વહે છે શુદ્ધ સોનું, ગોલ્ડ લેવા લોકો ચારણી-ડોલ લઈને પહોંચી જાય છે
આ નદીમાં સોનાના કણ ક્યાંથી આવે છે તે આજે પણ એક રહસ્ય છે. ભૂ વૈજ્ઞાનિકો માને છે કે પહાડી વિસ્તારમાંથી નીકળવાના કારણે નદીમાં સોનાના કણ આવે છે.
પ્રાચીન કાળથી સોના પ્રત્યે માણસોને લગાવ જોવા મળ્યો છે. હજારો વર્ષોથી માણસો સોનાની શોધમાં ભટકતા રહ્યા છે. આજના સમયમાં સોનાની ખાણો અને જમીનમાંથી નીકળતા સોના પર સરકારનો હક હોય છે. પરંતુ કેટલીક જગ્યાઓ એવી પણ છે જ્યાંથી સોનું મળે તો લોકો પોતાના ઘરે લઈ જઈ શકે છે. ભારતમાં આવી જ એક નદી છે જેના પાણીમાં સોનાના કણ વહે છે.
સોનાના કણ જેમાં વહે છે તે નદી
ભારતના ઝારખંડ રાજ્યમાં વહેતી આ નદીનું નામ છે સ્વર્ણરેખા નદી. એવી માન્યતા છે કે સોનાના કણ મળવાના કારણે આ નદીનું નામ સ્વર્ણરેખા છે. આ નદીની રેતીમાં સોનાના કણ મળે છે. નદીની આસપાસ રહેતા લોકો પેઢીઓથી રેતીમાંથી સોનાના કણ કાઢવાનું કામ કરતા રહ્યા છે. જેનાથી હજારો લોકોનું જીવન ચાલે છે.
આજે પણ એક રહસ્ય
નદીમાં સોનાના કણ ક્યાંથી આવે છે તે આજે પણ એક રહસ્ય છે. ભૂ વૈજ્ઞાનિકો માને છે કે પહાડી વિસ્તારોમાંથી નીકળવાના કારણે આ નદીમાં સોનાના કણ જોવા મળે છે. જો કે નદીમાં મળતા સોના વિશે આજ સુધી કોઈ નક્કર પ્રમાણ મળ્યું નથી કે તે ક્યાંથી આવે છે.
474 કિમીની લંબાઈ
સ્વર્ણરેખા નદી ઝારખંડ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ વહે છે. તેની કુલ લંબાઈ 474 કિમી છે. નદીનું ઉદ્ગમ સ્થળ ઝારખંડના પાટનગર રાંચીથી 16 કિમી દૂર છોટા નાગપુરના પઠારમાં આવેલું નગડી ગામમાં છે.
ખરું સોનું હોય છે
ફક્ત સ્વર્ણરેખા નદી જ નહીં પરંતુ તેની સહાયક નદી કરકરીની રેતીમાંથી પણ સોનાના કણ નીકળતા હોવાનું કહેવાય છે. રેતીના કણોમાંથી નીકળતું સોનું શુદ્ધ સોનું હોય છે. આજે પણ નદી પાસે તમને અનેક લોકો ચારણી લઈને રેતી ચાળતા જોવા મળશે.
બંગાળની ખાડીમાં પડે છે
સ્વર્ણરેખા નદી પહાડી વિસ્તારમાંથી નીકળે છે અને ઝરણા તરીકે મેદાની વિસ્તારમાં પડે છે. આ ઝરણાનું નામ હુન્ડરુ જળપ્રપાત છે. પડ્યા બાદ નદીનો પ્રવાહ પૂર્વ તરફનો થઈ જાય છે. જંગલોમાંથી વહેતી આ નદી પશ્ચિમ બંગાળના બાલેશ્વર જિલ્લામાં પહોંચે છે અને બાલેશ્વરમાં બંગાળની ખાડીને મળે છે.
નદી કિનારે વસ્યા શહેર
ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ જમશેદજી ટાટાએ આ નદીના કિનારે ભારતનું પ્રસિદ્ધ અને પહેલું લોઢા તથા સ્ટીલનું કારખાનું નાખ્યું હતું. આ નદીના કિનારે વસેલા શહેરને જમશેદપુર કે ટાટાનગર કહે છે. (તમામ તસવીરો AI ની મદદથી બનાવવામાં આવી છે)
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos