નર્મદા માતાના સાચા ભક્ત! અન્નનો એકપણ દાણો લીધા વગર પાણી પીને નર્મદા પરિક્રમા કરે છે દાદા ભગવાન
હાલ ઠંડીનો માહોલ છે પણ પરિક્રમાવાસીઓ ન તો ઠંડી જોતા હોય છે કે ન તો ગરમી. એક વાર નક્કી કર્યું કે પરિક્રમા કરવી એટલે ઝોળી લઈને નીકળી પડવાનું. જ્યાં રસ્તામાં કોઈએ જમવાનું પૂછ્યું કે ચા માટે પૂછ્યું તો ચા કે જમી લેવાનું બાકી ભૂખે પણ રહેવાનો વારો આવતો હોય છે. 3600 કિલોમીટરની આ પરિક્રમા 5 થી 6 મહિનામાં પૂર્ણ કરીને અમરકંટક સુધી જઈને ફરી ઓમકારેશ્વર પહોંચશે ત્યારે પરિક્રમા પૂર્ણ થઈ ગણાતી હોય છે.
મધ્ય પ્રદેશના પ્રસિદ્ધ મહારાજ દાદા ભગવાન ત્રીજી વખત નર્મદા પરિક્રમા માટે નીકળ્યા છે. જેઓએ ગુજરાતના નર્મદા જિલ્લાના ઝરવાણી ગામમાં પ્રવેશ કર્યો હતો. તેઓ માત્ર પાણી પર જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. મધ્યપ્રદેશના રહેવાસી દાદા ભગવાન કે જેમને નર્મદા પરિક્રમા કરવાનો પ્રણ લીધો છે. પ્રણ પણ એવો લીધો છે કે દેશમાં પર્યાવણ બચાવો અને રાસાયણિક ખાતરોથી જે જમીનનો બગાડ થાય છે તે પણ બચાવવાના પ્રયાસ કરશે. તેઓ ત્રીજીવાર નર્મદા પરિક્રમા કરી રહ્યા છે.
અમરકંટકથી નીકળતી માઁ નર્મદા જે એક માત્ર નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે. તે નદીની દાદા ભગવાન પરિક્રમા કરી રહ્યાં છે અને સંદેશો પણ પહોંચાડી રહ્યા છે કે પર્યાવરણ બચાવો અને રાસાયણિક ખાતરથી જમીનને બચાવો. આ પરિક્રમા દરમિયાન દાદા ભગવાન માત્ર પાણી પર જ જીવી રહ્યા છે. આમ તો તેમને 5 વર્ષ પહેલાં જ અન્નનો ત્યાગ કર્યો હતો અને પાણી પર જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા. પણ હાલ તેઓ નર્મદા પરિક્રમા કરી રહ્યાં છે. ત્યારે સવારે અને સાંજે અથવા તો રસ્તામાં ક્યાંય વિસામો કરે ત્યારે માત્ર પાણી જ પીને જીવન ચલાવી રહ્યા છે.
દાદા ભગવાન કહે છે કે, હાલ તો હું ભોજનમાં માત્ર હવા જ લવ છું. જ્યાં વિસામો મળે ત્યાં પાણીનો ઉપયોગ નહિવત કરું છું. આખો દિવસ હવા ખાઈને જીવવું એ મારું ધ્યેય છે. નર્મદા માતાની પરિક્રમા એટલા માટે કે પોતાનું જીવન સારું જાય અને સુરક્ષિત રહે તે માટે થઈ રહી છે. આ પરિક્રમા એક સાધના છે અને સમાજને એકત્ર કરવાનું એક સૂત્ર છે. નર્મદાની પરિક્રમા સનાતન સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે. જે વિશ્વ પટલ પર માઁ નર્મદાની સંસ્કૃતિ, સનાતન અને મહિમા સ્થાપિત કરે છે અને લોકો પોતાની માતૃભૂમિની માટીને પ્રેમ કરે અને સંસ્કૃતિને પ્રેમ કરીને પોતાનું જીવન જીવે છે. માત્ર ભારત જ એક એવો દેશ છે જે દુનિયામાં નદીઓને માતા કહીને સંબોધે છે. માત્ર મા નર્મદા જ નહીં પણ દેશમાં જે કોઈ પણ નદીઓ છે તેનું સંરક્ષણ જરૂરી છે. આત્મનિર્ભર ભારત અને સમર્થ ભારત ત્યારે જ સંભવ છે કે જ્યારે આપણે આપણી સંસ્કૃતિ સાથે જોડાઈશું. હાલમાં આખી દુનિયા માં સંક્રમણ અને આપદાઓથી ભયભીત છે અને લોકો સારું જીવન જીવવા શોધી રહ્યા છે.
મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળતા મા નર્મદા મધ્ય ગુજરાત જ નહીં પરંતુ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓની તરસ ઠારે છે. નર્મદાનું જળ જેટલું મહત્વપૂર્ણ છે તેટલું જ નર્મદા નદીનું ધાર્મિક મહત્વ છે. દેશની એક માત્ર એવી નદી છે જેની પરિક્રમા થાય છે. ગુજરાત અને ગુજરાતીઓ મા નર્મદાના આશીર્વાદ ક્યારે ભૂલી શકે તેમ નથી. એ મા નર્મદા જે નીકળે છે તો મધ્યપ્રદેશના અંમરકંટકમાંથી પણ તેમનું નિર્મળ જળ આખા ગુજરાતને મળે છે. પછી સિંચાઈ માટે કે પીવા માટે. ગુજરાતની જીવાદોરી મા નર્મદાએ ગુજરાતને જે આપ્યું છે તેની કલ્પના પણ ન કરી શકાય. નર્મદા જેટલી મહત્વની છે તેટલી જ તે પવિત્ર પણ છે.
દેશની એક માત્ર એવી નદી છે જેની પરિક્રમા થાય છે. કહેવાય છે કે નર્મદાની પરિક્રમા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે તેથી જ અનેક શ્રદ્ધાળુઓ આસ્થા અને ઉમંગ સાથે મા નર્મદાની દર વર્ષે પરિક્રમા કરે છે. દેવ ઉઠી અગિયારથી શરૂ થતી મા નર્મદાની પરિક્રમા 5થી 6 મહિના સુધી ચાલે છે. 3600 કિલોમીટરની આ પરિક્રમામાં 5થી 6 મહિનામાં પૂર્ણ કરીને અમરકંટક સુધી જઈને ફરી ઓમકારેશ્વર પહોંચશે ત્યારે પરિક્રમા પૂર્ણ થઈ ગણાતી હોય છે. એવા ઘણા દેશવાસીઓ છે જે માત્ર નર્મદાની પરિક્રમા કરવા માટે આવતા હોય છે. નર્મદાની પરિક્રમા સૌથી કઠીન પણ માનવામાં આવે છે. પરંતુ શ્રદ્ધા અને આસ્થા સાથે નીકળનારા પરિક્રમાવાસીઓને એવી કોઈ મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. મા નર્મદાના ગુણગાન ખુદ ભગવાને પણ ગાયા છે અને અનેક ધાર્મિક ગ્રંથોમાં નર્મદાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતની જીવાદોરી અને જેના પવિત્ર અને નિર્મળ જળનો સૌ ગુજરાતીઓ લાભ લઈ રહ્યા છે તે તમામ વતી મા નર્મદાને નમન....નમામિ દેવી નર્મદે....