Mahila Naga Sadhu: શું કપડાં વગર રહે છે મહિલા નાગા સાધુ? ફક્ત આ સમયે જ આપે છે દર્શન, પછી થઈ જાય છે ગાયબ
લોકોમાં સાધુ સંતો વિશે જાણવાની જિજ્ઞાસા રહેતી હોય છે. તેમાં પણ જો મહિલા નાગા સાધુઓ વિશે વાત કરીએ તો ઉત્સુકતા વધુ જોવા મળતી હોય છે. સવાલ એ છે કે શું મહિલા નાગા સાધુઓ પણ પુરુષ નાગા સાધુઓની જેમ વસ્ત્રો વગર રહે છે. તેમના નાગા સાધુ બનવાની પ્રક્રિયા શું હોય છે. તેઓ ક્યાં રહે છે. તેમનું જીવન કેવી રીતે ચાલે છે. આજે અમે તમને આ બધા પ્રશ્નોના જવાબ આપીશું.
ધાર્મિક વિદ્વાનોના જણાવ્યાં મુજબ શરૂઆતમાં મહિલા નાગા સાધુ બનવા માટે કોઈ પરંપરા નહતી. ફક્ત પુરુષ નાગા સાધુ જ જોવા મળતા હતા. પરંતુ હવે દુનિયાની મોહ માયાથી અળગી થઈ ગયેલી મહિલા નાગા સાધુ પણ કુંભમાં હોય છે. આ મહિલાઓના નાગા સાધુ બનવાની પ્રક્રિયા પણ એટલી જ કપરી હોય છે જેટલી પુરુષ નાગા સાધુઓની. આ માટે તેમણે 12 વર્ષ સુધી કઠોર તપ એટલે કે પરીક્ષામાંથી પસાર થવું પડે છે.
શરૂઆતના 6 વર્ષ તેમણે સંસારિક જીવન ત્યાગવામાં વિતાવવા પડે છે. તેઓ ફક્ત ભિક્ષા માંગીને જીવન પસાર કરે છે અને દિવસમાં એક જ વાર ભોજન કરે છે. તેઓ પલગ કે ખાટલામાં સૂઈ શકતા નથી અને ફક્ત ઘાસ ફૂસ પર જ તેમનું ઠેકાણું હોય છે. 6 વર્ષ બાદ જ્યારે તેઓ આ જીવનના આદી થઈ જાય છે ત્યાર બાદ તેઓ જીવતે જીવ પોતાનું પિંડદાન કરીને માથું મુંડાવી લે છે અને તર્પણ કરે છે. ત્યારબાદ તેમના ગુરુ તેમને મહિલા નાગા સાધુની ઉપાધિ આપે છે. પછી 6 વર્ષ તેઓ પોતાના શરીરને ગરમી, ઠંડી અને વરસાદ એમ દરેક ઋતુને સહન કરવામાં સક્ષમ બનાવવામાં લગાવે છે.
અનેક લોકો એવું વિચારતા હશે કે મહિલા નાગા સાધુ પણ પુરુષોની જેમ કપડાં વગર રહેતા હશે પરંતુ આ સાચુ નથી. અસલમાં તેઓ સિવ્યા વગરના ગેરુઆ રંગના વસ્ત્રો પહેરે છે. તેમને ફક્ત એક જ વસ્ત્ર ધારણ કરવાની મંજૂરી હોય છે. આ સાથે જ માથા પર તિલક, શરીર પર રાખ અને મોટી જટાઓ રાખે છે. મહિલા નાગા સાધુને આશ્રમમાં ખુબ સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે અને બાકી સાધવીઓ તેમને માતા કહીને બોલાવે છે.
મહિલા નાગા સાધુ દુનિયાની નજરોથી હંમેશા દૂર ભક્તિમાં ડૂબેલા રહે છે અને તપ કરે છે. તેમના પર મોહ માયા, સુખ દુ:ખનો કોઈ પ્રભાવ જોવા મળતો નથી. આ કારણ છે કે સામાન્ય રીતે લોકોને મહિલા નાગા સાધુઓ જોવા મળતા નથી પરંતુ જ્યારે કુંભ મેળો લાગે તો પોતાના અખાડાઓના સાનિધ્યમાં તેઓ પણ પવિત્ર નદીઓના સ્નાન માટે પહોંચે છે. ત્યારે લોકો પહેલીવાર તેમના દર્શન કરી શકે છે. કુંભ બાદ તેઓ ફરીથી પોતાના ગોપનીય ભક્તિ જીવનમાં પાછા ફરે છે અને દુનિયા માટે લુપ્ત થઈ જાય છે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.