વતન જવા નીકળેલા લોકોથી ઉમટી પડ્યું સુરત રેલવે સ્ટેશન, મુસાફરોની 1 કિમી લાંબી લાઈન લાગી
Surat News : દિવાળીના તહેવારને લઈને સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી છે. ઉત્તર પ્રદેશના લોકો માદરે વતન તરફ જતાં હોવાથી મોટી સંખ્યામાં લોકો સ્ટેશન પર આવી પહોંચ્યા છે. હાલ રેલવે સ્ટેશન પર એક કિલોમીટર સુધીની લાંબી લાઈનો જોવા મળી છે. જ કારણે મુસાફરોએ ટ્રેનો વધારવા માંગ કરી.

સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે. દિવાળીના પર્વ નિમિત્તે યુપી અને બિહારના લોકો પોતાના માદરે વતન તરફ જવા નીકળતા હોય છે. ઉધના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પાસે એક કિલોમીટર લાંબી મુસાફરોની કતારો જોવા મળી છે. લોકો રાત્રિના બાર વાગ્યાથી લાઈનમાં ઊભા રહ્યાં છે. આ કારણે મુસાફરોને ભારે અગવડતા પડી રહી છે. મુસાફરો દ્વારા ટ્રેનો વધારવા માટે માંગ કરવામાં આવી છે.

પાછલા વર્ષે એક જ દિવસમાં 60,000 થી વધુ લોકોની ભીડ રેલવે સ્ટેશન પર ભેગી થઈ ગઈ હતી. ફરીવાર આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રેલવે પોલીસ અને આરપીએફ વહેલી સવારથી જ ખડેપગે છે. આ કારણે આરપીએફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વધતી મુસાફરોની ભીડને ધ્યાનમાં લેતા ઉધના રેલવે સ્ટશને ૧૫મી ઓક્ટોબરથી મુસાફરોની રિયલ ટાઈમ ગણતરી થશે. ભીડ વધશે તો તાત્કાલિક ક્લોન ટ્રેન દોડાવવા ૨૪ કોચ સ્ટેન્ડ બાય રખાયા છે. વંદે ભારતમાં દિવ્યાંગો માટે રેમ્પ, વ્હીલચેર સહિતની સુવિધા મળશે. સુરત રેલવે સ્ટેશન પર ચેકિંગ ડ્રાઈવ દરમિયાન 6.42 લાખનો દંડ વસૂલાયો છે. વેઈટિંગ એરિયામાં જ કરંટ ટિકિટ કાઉન્ટર શરૂ કરી દેવાયા છે. જેથી કરીને મુસાફરો અહીંયાથી જ ટિકિટ ખરીદીને સીધા ટ્રેનમાં જઈ શકશે.
દિવાળી દરમિયાન ટ્રાવેલ્સના ભાડામાં થયો વધારો

દિવાળીના તહેવાર પર વતન જતા લોકોનો ઘસારો વધી રહ્યો છે. આ કરાણે ન માત્ર રેલવે સ્ટેશન, પરંતું દિવાળીના તહેવારમાં બસ સ્ટેશન પર પણ ભારે ભીડ જોવા મળે છે. વતન જવા માટે બસોમાં એડવાન્સ બુકીંગ શરૂ થઈ ગયું છે. દિવાળી તહેવારમાં ટ્રાવેલ્સના ભાડામાં ડબલ વધારો થયો છે. ખાનગી ટ્રાવેલસમાં 16 ઓક્ટોબર સુધી ટિકિટના ભાવમાં 10 ટકાનો વધારો કરાયો છે. સામાન્ય દિવસમાં રાજકોટનું ભાડું 600 થી 650 હોય છે, જેમાં 10 ટકા ભાવ વધારો થયો છે.

હાલ રાજકોટ 700 રૂપિયા થયા છે. જે દિવાળી સમયે 1200 સુધી ભાવ સુધી પહોંચવાની શકયતા છે. આ વિશે શ્રીનાથજી ટ્રાવેલ્સના ચેરમેન નંદલાલ કાબરાએ જણાવ્યું કે, તહેવારોમાં એક તરફની ભીડ મળતી હોવાથી ભાવ વધારો થાય છે. શહેર મુજબ કેટલા ભાવ વધ્યા તે જોઈએ. જે 17 ઓક્ટોબર બાદથી લાગુ પડશે. દિલ્હીનું હાલનું ભાડું 1600 છે, જે 3300 પર પહોંચી ગયુ છે. જયપુરનું ભાડું 2000 થી 3000 રૂપિયા થયું છે. આગ્રાનું ભાડું 1500 થી 3000 રૂપિયા થયું છે. લાતુરનું ભાડું 2000 રૂપિયાથી 3000 થયું છે. શીરડીનું ભાડું 1200 થી 2000 રૂપિયા થયું છે. ભોપાલનુ ભાડું 1000 રૂપિયાથી 2000 રૂપિયા થયું છે.
Trending Photos




