પરેશ ગોસ્વામીની આગાહી : હીટવેવનો રાઉન્ડ પૂરો થયો, 14 માર્ચ બાદ ગુજરાતના વાતાવરણમાં મોટું થશે
Paresh Goswami Alert : જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાતમાં હીટવેવને પગલે અનેક જિલ્લાઓમાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી હતી. પરંતુ ગુજરાતના વાતાવરણ ફરી પલટાવા જઈ રહ્યું છે. હીટવેવ બાદ હવે ગરમીનો પારો નીચે ઉતરશે.
હીટવેવથી રાહત મળશે
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 9 થી 13 માર્ચ સુધીનો હીટવેવનો રાઉન્ડ ચાલ્યો છે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીથી લઈને 41 ડિગ્રીની વચ્ચે રહ્યું હતુ. જો કે કેટલાક ભાગોમાં પારો 42 ડિગ્રીએ પણ પહોંચ્યો હતો. પરંતું હવે હીટવેવનો રાઉન્ડ પુરો થઈ ગયો છે. આગામી 2-3 દિવસમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. એટલે કે, જે ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધ્યું હતું. ત્યાં 37-38 ડિગ્રી, જયાં 38 ડિગ્રી હતુ. ત્યાં 35 થી 36 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન પહોંચી જશે. આ ઘટેલું તાપમાન આગામી 22 તારીખ સુધી યથાવત રહેશે. જેથી હીટવેવમાં આંશિક રાહત મળવાની છે.
14 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે
હવામાન નિષ્ણાતે કહ્યું કે, જો પવનની ગતિની વાત કરીએ તો. હીટવેવ દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં 18 થી 22 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયા છે. 14 માર્ચથી પવનની ગતિમાં પણ ઘટાડો થશે. આગામી 15 થી 21 માર્ચ દરમિયાન પવનની ગતિ સામાન્ય એટલે કે 10 થી 14 કિમી પ્રતિકલાક થઈ જશે. જે બાદ માર્ચ મહિના અંતિમ સપ્તાહમાં હીટવેવનો વધુ એક રાઉન્ડ આવશે.
ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવશે
આ સાથે જ આગામી 15 માર્ચથી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ ચાલુ થશે, એટલે કે એક પ્રકારે હવામાનમાં પલટો આવશે. જેમાં રાજ્યના 40 ટકા ભાગમાં વાદળો જોવા મળી શકે છે. જેના પરિણામે તે ભાગોમાં ઉકળાટ અને બફારાનો અહેસાર થશે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તર-પૂર્વના પવનોના કારણે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આજની વાત કરીએ તો, આજે રાજકોટ 41 ડિગ્રી સાથે ગુજરાતનો સૌથી ગરમ જિલ્લો રહ્યો છે. જ્યારે અમરેલીમાં 40.4 ડિગ્રી, પોરબંદરમાં 37.4, અમદાવાદમાં 39.6,ગાંધીનગરમાં 39, વડોદરામાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
14 માર્ચ બાદ અસ્થિરતા સર્જાશે
આગામી 14 માર્ચ, 2025ના રોજ એક અસ્થિરતા સર્જાશે. જેના પરિણામે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જો આ વાદળો વધુ ઘાટા થાય, તો હવામાનમાં પલટો આવે અને કેટલાક ભાગોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 13 માર્ચ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યેલો એલર્ટ રહેવાનું છે. જેમાં ભૂજ, ભચાઉ અને રાપરના કેટલાક ભાગોમાં તાપમાન ખૂબ જ ઊંચુ જઈ શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દ્વારકામાં પણ તાપમાન ઊંચુ જોવા મળશે.
Trending Photos