'તમે નોકરી છોડી દો પાપા, હું બધું જ સંભાળી લઈશ', પિતાને બર્થ-ડે સરપ્રાઈઝ આપવા આવી હતી દીકરી
Air India Flight Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાએ ઘણા પરિવારોની ખુશી છીનવી લીધી. તેમાંથી એક દીપાંશી ભદોરિયા હતી, જે લંડનમાં અભ્યાસ કરી રહી હતી અને એક મહિના પહેલાં પિતાને જન્મદિવસની સરપ્રાઇઝ આપવા માટે ભારત પાછી ફરી હતી. તે ગુરુવારે લંડન પરત ફરી રહી હતી, પરંતુ કમનસીબે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ અને આ કમનસીબ અકસ્માતમાં દીપાંશીનું મૃત્યુ થયું છે.
Air India Flight Crash: દીપાંશીનો પરિવાર ગાંધીનગરના (Gandhinagar) સરગાસણમાં એક સોસાયટીમાં રહે છે. તેમના પિતા CBIમાં એક વરિષ્ઠ અધિકારી છે. એક મહિના પહેલાં અચાનક પુત્રીને સામે જોયા પછી તેમનું ઘર ખુશીઓથી ભરેલું હતું, તે હવે મૌન અને શોકમાં ડૂબી ગયું છે. 20 મેના રોજ લંડન પરત ફરવાનું નક્કી હતું, પરંતુ દીપાંશીએ છેલ્લી ઘડીએ પરત ફરવાનો નિર્ણય બદલ્યો હતો. આ એક નિર્ણય પરિવારને ભારે પડ્યો છે. એ પરિવાર સાથે વધારે સમય ગાળવા માગતી હતી. એમના માતા પિતાની લગ્નની વર્ષગાંઠ 11 જૂને હોવાથી એ એમની સાથે રહેવા માગતી હતી. એ મેરેજ એનિવર્સરી ઉજવીને બીજા દિવસે લંડન જવા નીકળી પણ ઘરે લાશ બનીને પરત ફરી હતી.
દિપાંશી એક બ્રાઈટ સ્ટુડન્ટ હતી અને એક્સ્ટર યુનિવર્સસિટીમાં ભણતી હતી. એ એમના પરિવારનું ગૌરવ હતી. પિતાને હંમેશાં કહેતી કે હું મારો અભ્યાસ પૂરો કરી લઉં એટલે તમે કાયમી માટે રિટાયર્ડ થઈ જાઓ હું બધું જ સંભાળી લઈશ, પિતા માટે દીકરી એ ગર્વ હતી. માતા મધુલિકાએ ક્યારેય દીકરા અને દીકરીમાં ભેદભાવ કર્યો નહોતો. આ પરિવાર આજે છાને છપને દીકરીને યાદ કરીને ડૂસકાં લઈ રહ્યો છે. આ પ્રકારની દુર્ઘટનાઓ અનેક પરિવારોને જિંદગીભરનું દુખ આપે છે.
મોત પણ લંડનમાં અભ્યાસ કરતી યુવતી દીપાંશી ભદોરિયાની રાહ જોઈ રહયું હોય એમ એને પ્લાન બદલ્યા હતા. દિપાંશી આજે જીવિત હોત, પરંતુ ભાગ્યની યોજના કંઈક અલગ હતી. દીપાંશી લંડનથી ઉડાન ભરીને 27 માર્ચે અમદાવાદ પહોંચી હતી. પિતાને એકાએક દીકરી ઘરે પરત ફરતાં સરપ્રાઈઝ મળી હતી. જોકે, દીપાંશીએ લંડન જતાં પહેલાં એરપોર્ટ પર માતાપિતા સાથે સેલ્ફી લીધી હતી જે આખરી બની રહી છે. “ પરિવાર ઘરે જ પહોંચ્યો હતો ત્યાં તેમને વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા હતા. થોડીવારમાં જ પરિવાર આઘાત અને શોકમાં ડૂબી ગયો હતો.”
ગાંધીનગરમાં સેક્ટર -12 માં શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે સ્વર્ગસ્થ દિપાંશી ભદોરીયાનું બેસણું યોજાયું હતું. સંદીપસિંઘ ભદોરીયા અને પરિવારજનોએ સાંત્વના આપવા પધારેલા સ્વજનોને 500 જેટલા રોપા આપ્યા હતા. સહુ સ્વજનોએ સ્વર્ગસ્થ દીકરી દિપાંશીની સ્મૃતિઓ હંમેશા લીલીછમ્મ રહે એવા આશય સાથે ઘર આંગણે ‘સ્મૃતિ વૃક્ષ’ વાવવાની અને ઉછેરવાની પ્રતિબદ્ધતા દાખવી હતી.
Trending Photos