રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? જાણો હવામાન અને અંબાલાલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rathyatra rain forecast: અમદાવાદ શહેરમાં નીકળનારી 148મી રથયાત્રાની તૈયારીઓ થઇ રહી છે. ભગવાનનું મામેરું વાજતે ગાજતે નિજ મંદિરે પહોંચી ગયું છે. વિમાન દુર્ઘટના બાદ એવી ચર્ચા હતી કે રથયાત્રા સાદગીપૂર્ણ નીકળશે, પરંતુ પાછળથી જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ રથયાત્રા રાબેતા મુજબ નીકળશે તેવું નિવેદન આપ્યું હતું. હાલ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે રથયાત્રાના દિવસે પણ વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
આ વર્ષે પ્રથમ વખત ભગવાનના કુંડળ તૈયાર કરવામાં આવ્યા હતા. દક્ષિણ ભારતીય થીમ ઉપર કુંદનના આભૂષણ તૈયાર કરવામાં આવ્યા હતા. રેશમ વર્ક, સાંકળી ભરત, જરી ભરત અને ગોટાપત્તી ભરતથી વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા. આ વર્ષે ભક્તો દૂરથી પણ ભગવાનના દર્શન કરી શકે તે માટે પીળા પીતામ્બરના વાઘા ભગવાન ધારણ કરશે. પરંતુ 27 જૂને રથયાત્રામાં વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
આજે અમદાવાદમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકામાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
એ જ રીતે આગામી 24 થી 27 જૂન ભારે વરસાદની આગાહી કરાઈ છે. 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. 25-29 જૂન સુધી દરિયા કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં 23 મી જૂનેથી વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થશે. 23 થી 26 બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 27 મી એ અમદાવાદ રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે. 26 થી 30 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે.
7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 22 તારીખની આજુબાજુમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. 22થી 24 તારીખમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. નર્મદા નદીમાં જળ સ્તર વધવાની શક્યતા છે.અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પર આવ્યું છે. જેના પરિણામે આગામી 22 જૂન સુધી દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ. સુરત, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને દ્વારકા જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Trending Photos