Lady Agent of Khalifa: ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકામાં એક મહિલાની ધરપકડ થઈ છે. જેને ઈરાનની જાસૂસ તરીકે જોવામાં આવી રહી છે. અમેરિકી એજન્સીઓ હાલ આ મહિલાની પૂછપરછ કરી રહી છે. સવાલ એ છે કે આ મહિલાનો ઈરાન સાથે શું સંબંધ છે ? કયા આરોપોમાં તેની ધરપકડ કરવામાં આવી છે ? અને કેમ તેને ખલીફાની લેડી એજન્ટ કહેવામાં આવી રહી છે?
1/7અમેરિકી તપાસ એજન્સીએ એરપોર્ટ પરથી આ મહિલાને ધરપકડ કરી હતી. તે લાંબા સમયથી અમેરિકામાં રહેતી હતી અને ગ્રીન કાર્ડ ધારક હતી, પરંતુ મૂળ ઈરાનની નિવાસી છે. અમેરિકામાં શમીમ માફીને ઈરાન સરકાર માટે હથિયારોની ડીલ કરવાના આરોપમાં ઝડપી લેવામાં આવી છે. લૉસ એન્જિલિસ એરપોર્ટ પરથી તે તુર્કી જવા માટે ફ્લાઇટ પકડવા જઈ રહી હતી ત્યારે જ FBI એ કાર્યવાહી કરીને તેની યોજના નિષ્ફળ બનાવી અને તેના ષડયંત્રનો ભાંડો ફુટી ગયો. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે શમીમની ધરપકડને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
2/7શમીમ માફી પર આરોપ છે કે તેણે ઈરાન સરકાર તરફથી ડ્રોન, બોમ્બ અને લાખો રાઉન્ડ ગોળા બારૂદના સોદા ગોઠવવામાં મદદ કરી હતી. કહેવામાં આવે છે કે આ હથિયારો સુદાનની સેના માટે મોકલવાના હતા, જ્યાં હાલમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. રિપોર્ટ મુજબ, શમીમે 580 કરોડ રૂપિયાથી વધુના હથિયારોના સોદા કરાવ્યા હતા. આ માટે તેણે ઓમાનમાં રજિસ્ટર્ડ ‘એટલાસ ઈન્ટરનેશનલ બિઝનસ નામની કંપનીનો ઉપયોગ કર્યો હતો..FBIથી બચવા માટે તે તુર્કી અને UAE મારફતે આ સોદાઓ પૂર્ણ કરતી હતી..
3/7કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, ફોન રેકોર્ડથી જાણવા મળ્યું છે કે ડિસેમ્બર 2022થી જૂન 2025 દરમિયાન શમીમનો ઈરાનના જાસૂસો અને સુરક્ષા મંત્રાલય સાથે સીધો સંપર્ક હતો. આ કારણે આ મામલો અમેરિકાની સુરક્ષા એજન્સીઓ માટે ખૂબ ગંભીર બની ગયો છે.
4/7શમીમ માફી ઈરાનના મિનિસ્ટ્રી ઈન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી સાથે જોડાયેલી હોવાનું કહેવામાં આવે છે અને તે તેમના નિર્દેશો પર કામ કરતી હતી. ઓમાની શેલ કંપની મારફતે હથિયારો અને નાણાંની હેરફેર થતી હતી. સુદાની અધિકારીઓ સાથે ઈરાનમાં મીટિંગ્સ પણ ગોઠવાતી હતી. તેના પર એવો પણ આરોપ છે કે તેણે ઈરાન સરકારના સંપર્કોનો ઉપયોગ પોતાના વ્યક્તિગત ફાયદા માટે કર્યો હતો. અમેરિકામાં શમીમની ધરપકડને મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે બિનકાનૂની રીતે ખતરનાક હથિયારોના સોદા રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.
5/7શમીમ માફી અમેરિકામાં લક્ઝરી જીવન જીવતી હતી. તેને મોંઘી કારોનો શોખ હતો અને તે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય હતી. તે વારંવાર પોતાની આંતરરાષ્ટ્રીય યાત્રાની તસવીરો શેર કરતી હતી. દુબઈ સ્પા, બીચ વેકેશન અને તુર્કીમાં હથિયાર સપ્લાયર ઓફિસમાં અસોલ્ટ રાઈફલ્સ સાથે તેની તસવીરો પણ જોવા મળી હતી. તે મર્સિડીઝ-બેન્ઝ રોડસ્ટર સાથે પોઝ આપતી પણ જોવા મળતી હતી. તે ઈરાન, તુર્કી અને ઓમાન વચ્ચે સતત પ્રવાસ કરતી હતી.
6/7ઈરાની નાગરિક શમીમ માફીએ 2013માં પોતાનું દેશ છોડ્યો હતો ત્યાર બાદ 2016માં તે અમેરિકા સ્થાયી થઈ ગઈ અને તેને ગ્રીન કાર્ડ મળ્યું. તે લૉસ એન્જિલિસમાં ઈરાની સમુદાય વચ્ચે એક ટાઉનહાઉસમાં રહેતી હતી.
7/7કોર્ટમાં શમીમ માફીએ ઈરાનની ઈન્ટેલિજન્સ સાથે જોડાણ હોવાનો ઈનકાર કર્યો છે અને પોતાને નિર્દોષ ગણાવી છે. તેનું કહેવું છે કે તેણે અમેરિકાની ધરતી પર ઈરાન માટે કોઈ જાસૂસી કરી નથી પરંતુ જો તેના પરના આરોપો સાબિત થાય તો તેને 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે.