પંજાબ કિંગ્સની ટીમમાં આવ્યો આ ખતરનાક ખેલાડી, પોતાના દમ પર જીતાડી શકે છે ટ્રોફી
વેસ્ટ ઈન્ડિઝની ખેલાડી ઓડિન સ્મિથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પોતાના આઈપીએલ કરિયરની શરૂઆત કરી છે. સ્મિથે માત્ર 8 બોલમાં 25 રનનો કેમિયો રમીને પંજાબ કિંગ્સને જીતાડ્યું છે. આ ઈનિંગ્સમાં સ્મિથની સ્ટ્રાઈક રેટ 312ની રહી. જ્યારે, સ્મિથે એક ચોક્કો અને 3 સિક્સ ફટકારી હતી.
આઈપીએલના મેગા ઓક્શનના બીજા દિવસે ઓડિન સ્મિથને ખરીદવા માટે ઘણી બધી ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. ત્યારે, 1 કરોડની બેઝ પ્રાઈઝવાળા આ ખેલાડીને પંજાબ કિંગ્સની ટીમે 6 કરોડમાં ખરીદ્યો હતો. પહેલી જ વાર આઈપીએલમાં પ્રવેશ કરનાર સ્મિથ પ્રથમ વખત જ કરોડો રૂપિયા કમાયો છે.
અબૂ ધાબી ટી10 લીગમાં ઓડિન સ્મિથે સૌથી લાંબો સિક્સ માર્યો હતો અને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિયું હતું. ઓડિને એક મેચ દરમિયાન જેમ્સ ફોકનરના બોલ પર ટી10 ઈતિહાસનો સૌથી લાંબો સિક્સ માર્યો હતો. આ સિક્સની લંબાઈ 130 મીટરની હતી.
ઓડિન સ્મિથે 2018માં પાકિસ્તાન સામે ઈન્ટરનેશનલ ટી20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ઓડિને વન ડેમાં આ વર્ષે આયરલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. ઓડિને અત્યારસુધી વેસ્ટ ઈન્ડિઝ માટે 10 ટી20માં 53 રન કર્યા છે અને 7 વિકેટ ઝડપી છે. જ્યારે, 5 વન ડે મેચોમાં સ્મિથે 144 રન કર્યા છે અને 6 વિકેટ લીધી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ફેબ્રુઆરીમાં રમાયેલી વનડેમાં પણ ઓડિને સારુ પ્રદર્શન કર્યું હતું. ઓડિને સિરિઝની બીજી વન ડેમાં 29 રન આપીને 2 વીકેટ લીધી હતી અને 20 બોલમાં 24 રન ફટકાર્યા હતા. જ્યારે, ત્રીજી મેચમાં ઓડિને 1 વિકેટ અને 18 બોલમાં 36 રનની ઈનિંગ્સ રમી હતી.