જેણે પોતાના વાળને કાતર પણ અડાડી ન હતી, તે બાળકીએ કેન્સરપીડિતો માટે બધા વાળ દાન કર્યાં

કેન્સર પીડિત મહિલાઓ માટે સુરતની 10 વર્ષની નાની દેવાના દવેએ પોતાના વાળ ડોનેટ કરીને મોટું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. સાથે જ અન્ય યુવતીઓ અને મહિલાઓને પણ પ્રેરણા આપી

Sep 22, 2020, 12:21 PM IST

ચેતન પટેલ/સુરત :જીવલેણ કેન્સરના કારણે જે વ્યક્તિને પોતાના વાળ ગુમાવવા પડે છે તે જ તેનું દર્દ સમજી શકે છે. ખાસ કરીને મહિલા. દરેક સ્ત્રીને તેના વાળ અતિપ્રિય હોય છે. આવામાં કેન્સર (cancer) રોગથી પીડિત મહિલાઓ માટે વાળ ગુમાવવાની પીડાને સુરત (surat) ની એક બાળકીએ સમજી છે. આવી મહિલાઓ માટે સુરતની 10 વર્ષની નાની દેવાના દવેએ પોતાના વાળ ડોનેટ કરીને મોટું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. સાથે જ અન્ય યુવતીઓ અને મહિલાઓને પણ પ્રેરણા આપી છે.
 

1/5

સુરતની દેવાના દવેની ઉંમર ભલે 10 વર્ષની હોય, પરંતુ તેના વિચાર અને તેના કાર્ય આજે દરેક વ્યક્તિ માટે પ્રેરણા છે. દેવાનાને પોતાના વાળ બહુ જ ગમતા હતા, તેથી તેણે પોતાના વાળ લાંબા કર્યા હતા. પરંતુ કેન્સર પીડિત મહિલાઓની હાલત જોતા તેને પોતાના વાળને કેન્સર પીડિત લોકો માટે ડોનેટ કરવાનો વિચાર આવ્યો. આટલી નાની ઉંમરમાં આ વિચાર આવવો એ અલગ વાત છે. 

2/5

સૌથી અગત્યની વાત આ પણ છે કે, જન્મથી લઈને અત્યાર સુધી તેણે પોતાના વાળ કપાવ્યા જ નથી. આ કારણે દેવાનાના વાળની લંબાઈ અંદાજે 30 ઇંચ જેટલી થઈ ગઇ હતી. છતાં તેણે આંખમાંથી એક આસું પાડ્યા વગર પોતાના વાળ કપાવ્યા હતા. 

3/5

કેન્સર પીડિત માટે વાળ ડોનેટ કરવાના ઉદ્દેશ્યથી દેવાના માતાપિતાને લઈને પાર્લરમાં આવી હતી અને વાળ કપાવ્યા હતા. દેવાના કેન્સર પીડિત મહિલાઓ માટે ચાલી રહેલા બાલ્ડ એન્ડ બ્યુટીફૂલ કેમ્પઈનમાં પણ જોડાઈ છે. આ વિશે દેવાનાએ જણાવ્યું કે, મેં બે વેબસીરિઝમાં કામ કરી ચૂકી છે. અચાનક જ મને વિચાર આવ્યો કે, કેન્સર પીડિત માટે હું મારા વાળનું ડોનેશન કરીશ. 

4/5

જ્યારે તેને આ નિર્ણય લીધો ત્યારે તેને એક સીરિયલ માટે ઓફર પણ આવી હતી. પરંતુ તેના મક્કમ નિર્ણય બાદ તેને તેની પરવા કરી નહિ અને સીરિયલ કરતાં વાળ ડોનેટ કરવું ખૂબ જ અગત્ય લાગ્યું. તેણે જણાવ્યું કે, અન્ય લોકોએ પણ આવી જ રીતે કેન્સર પીડિત માટે આગળ આવવું જોઈએ.

5/5

તેની માતા નિકિતા દવેએ જણાવ્યું હતું કે, જ્યારે દેવાનાના નિર્ણય વિશે અમે સાંભળ્યું, ત્યારે અમે આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. અમે બંનેએ તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. સાથે એ પણ જણાવ્યું હતું કે, તે બધા વાળ ન કાપે. માત્ર થોડા વાળ જ ડોનેટ કરે. પરંતુ તેના અડગ નિર્ણયને અમે બદલાવી શક્યા ન હતી. આખરે અમે તેના નિર્ણયનો સ્વીકાર કર્યો હતો. આટલી નાની ઉંમરે આટલા ઉચ્ચ વિચાર આવું ખૂબ જ અગત્યનું છે.