ગુજરાતી ખેડૂતે કમાલ કર્યો, થાઈલેન્ડના ફળની ગુજરાતમાં કરી ખેતી, મુંબઈ વેચીને લાખો કમાયા

Written ByDipti SavantUpdated byDipti Savant
Published: Apr 20, 2025, 01:00 PM IST|Updated: Apr 20, 2025, 01:08 PM IST

Agriculture News નિલેશ જોશી/વાપી : વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી છે.. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બદલાતા વાતાવરણ અને પાકને પ્રતિકૂળ હવામાનને કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આથી વલસાડના પ્રગતિશીલ ખેડૂતો હવે અન્ય બાગાયતી પાકોના પ્રયોગ તરફ વળ્યા છે. ઉમરગામના એક ખેડૂતે થાઈલેન્ડના લાલ જાંબુની ખેતીનો પ્રયોગ કર્યો, જેમાં તેમને સફળતા મળી છે. 

એક ફ્લાવરીંગમાં 10 કિલો જાંબુ ઉતરે 1/7

આ ખેડૂતનું નામ હર્ષલ ગાલા છે. તેમણે 1 એકર જમીનમાં 300 રોપા વાવેલા છે. તેઓ કહે છે કે, 1 વૃક્ષ પર એક વખત ફ્લાવરિંગમાં 10 કિલો જાંબુ ઉતરે છે. આખી સિઝનમાં 3 થી 6 વખત ફ્લાવરિંગ આવે છે. મુંબઈમાં આ ફળનું મોટું માર્કેટ છે. 80 થી 100 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. ગુજરાત કરતા મુંબઈમાં સારું માર્કેટ મળે છે. કેરીની સીઝનમાં આ વર્ષે ફક્ત 30 થી 40 ટકા પાક છે, ત્યારે આ જાંબુને લઈ ખેડૂતને કેરીના પાકનું નુકસાનમાંથી જાંબુનો પાક રાહત આપે છે. જાંબુના પાક માટે કોઈ ખાસ મહેનત રહેતી નથી, ફક્ત જાંબુની સંભાળ રાખવા માટે સમગ્ર જાંબુના ઝાડ પર નેટ બાંધવાનો મુખ્ય ખર્ચો હોય છે. 1 વર્ષમાં નેટ પ્રોફિટ 3 લાખનું થાય છે. તેની સામે આ પાકને બચાવવા માટે 1 એકર ની નેટ બાંધવી પડે છે જેની કિંમત 2 લાખ છે અને આ નેટ 4 વર્ષ સુધી ચાલે છે. 

કેમ કેરીને છોડીને આ ફળ તરફ વળ્યા ખેડૂત2/7

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લો મુખ્ય પાક કેરી છે. જ્યાં જિલ્લામાં 35,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. અને વલસાડની આફૂસ અને કેસર કેરીએ દુનિયાભરમાં સ્વાદ માટે જાણીતી છે. દર વર્ષે વલસાડ જિલ્લામાં હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે. અને વલસાડની કેરી ગુજરાત ઉપરાંત સમગ્ર દેશ અને દુનિયાના અનેક દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે. આથી ખેડૂતોને અત્યાર સુધી કેરીના પાકમાંથી મોટી આવક પણ થતી હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી બદલાતા વાતાવરણ અને કેરીના પાકને પ્રતિકૂળ હવામાનને કારણે કેરીના પાકમાં દર વખતે નુકસાન થઈ રહ્યું છે. એવા સમયે જિલ્લાના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ હવે કેરીના પાકમાંથી થતા નુકસાનથી બચવા અને કેરીના પાકના વિકલ્પ તરીકે અન્ય બાગાયતી પાકો તરફ વળ્યા છે.   

કેરીનું નુકસાન થાઈલેન્ડ સુધી લઈ ગયું 3/7

ઉમરગામના હર્ષદ ગાલાએ આ કારણે પોતાની વાડીમાં આંબાના ઝાડની સાથે થાઈલેન્ડના લાલ જાંબુની ખેતી શરૂ કરી છે. અને દર વર્ષે સારી આવક પણ મેળવી રહ્યા છે. હર્ષલભાઈ ગાલાને પોતાની 45 એકરની વાડી છે. ઇઝરાયેલમાં બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરીને હર્ષલભાઈ એક પ્રગતિશીલ ખેડૂત બન્યા છે. જેમાં અત્યાર સુધી આંબા સહિત અન્ય પાકો લેતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી કેરીના પાકમાં થતા નુકસાનને કારણે તેઓએ હવે આ થાઈલેન્ડના લાલ જાંબુની ખેતી શરૂ કરી છે.

થાઈલેન્ડ ટુરમાં જોયું, અને આ વિચાર આવ્યો 4/7

હર્ષલભાઈ ગાલા ઘણા સમયથી કેરીના પાકનો વિકલ્પ શોધી રહ્યા હતા. એ દરમિયાન થાઈલેન્ડમાં તેઓ એક એગ્રીકલ્ચર ટુર પર ગયા હતા. જ્યાં તેઓએ આ થાઈલેન્ડના લાલ જાંબુ જોયા. અને થાઈલેન્ડનું વાતાવરણ અને આપણે અહીંનું વાતાવરણ આ લાલ જાંબુના પાકને અનુકૂળ હોવાથી તેઓએ 300 જેટલા લાલ જાંબુના રોપાઓની કલમ લગાવી અને લાલ જંબુ ની ખેતી શરૂ કરી છે. અને તેમાં તેમને સફળતા પર મળી રહી છે.  

થાઈલેન્ડના જાંબુંની ખાસિયત5/7

થાઈલેન્ડના આ લાલ જાંબુને અનેક નામે ઓળખવામાં આવે છે. તેઓ વોટર એપલ, રોઝ કે અન્ય નામે ઓળખાય છે. જાંબુ પાણીદાર ફળ માનવામાં આવે છે. એક લાલ જાંબુ ખાવાથી એક ગ્લાસ પાણી પીધું હોય તેવો અહેસાસ થાય છે અને શરીરમાં પાણીની જરૂરિયાતને આ ફળ પૂરું પાડી શકે છે. ત્યારે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભકારી આ લાલ જાંબુની તેઓએ ખેતી કરી અને અત્યારે સારી આવક મેળવી રહ્યા છે. અને તેઓ અહીં સ્થાનિક સહિત મુંબઈમાં પણ તેનો ઊંચા ભાવે વેચાણ કરે છે.

દેશી જાંબુ કરતા આ જાંબુંની માંગ વધારે 6/7

હર્ષલભાઈએ તેમની વાડીમાં નેટ હાઉસમાં આ લાલ જાંબુની કલમો લગાવી છે. અને તેની માવજત પણ કરે છે. પરંતુ કેરીના પાકની સરખામણીમાં ઓછી માવજત અને દવાના બિનજરૂરી ઉપયોગ વિના જ જાંબુના અઢળક પાક આવે છે. તેમના મતે વર્ષ દરમિયાન આ લાલ જાંબુના ઝાડ પર ત્રણ વખત ફળ આવે છે. અને ક્યારેક સારું વાતાવરણ હોય તો છ વખત પણ તેઓ આ ઝાડ પરથી ઉત્પાદન મેળવી શકે છે. અને અહીં થતા દેશી સફેદ જાંબુંની સરખામણીમાં આ થાઈલેન્ડના લાલ જાંબુની માંગ પણ વધારે હોય છે. અને ભાવ પણ સારા મળતા હોવાથી લાલ જાંબુની ખેતી ખૂબ જ ફાયદાકારક પુરવાર થઈ રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના અન્ય ખેડૂતો પણ હર્ષદભાઈની લાલ જાંબુની વાડીની મુલાકાત લે છે. અને તેમાંથી પ્રેરણા મેળવી પોતે પણ આ થાઈલેન્ડના લાલ જાંબુની ખેતી કરવા પ્રેરાઈ રહ્યા છે.

હર્ષલ ગાલાની અન્ય ખેડૂતોને સલાહ 7/7

છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સહિત સમગ્ર દેશમાં ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે .ત્યારે વલસાડ જિલ્લામાં પણ બદલાતું વાતાવરણ કેરીના પાકને મોટું નુકસાન કરે છે. જો કે હર્ષલભાઈ જેવા કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ હવે કેરીના પાકની નુકસાનીથી બચવા અન્ય બાગાયતી પાકોના પ્રયોગ તરફ વળ્યાં છે. અને તેમાં સફળતા પણ મળી રહી છે. ત્યારે માત્ર કેરીના પાક પર જ નિર્ભર રહેતા ખેડૂતોએ હવે કેરીના પાકની સાથે હવે અન્ય બાગાયતી પાકોના પ્રયોગ તરફ વળવું જોઈએ જેથી કેરીના પાકમાં થતું નુકસાનીની ભરપાઈ અન્ય પાકોથી થઈ શકે અને સારી આવક પણ મેળવી શકે