રેલવે કોચ છે કે 5 સ્ટાર હોટલ? સામે આવી વંદે ભારત સ્લીપર કોચની પહેલી ઝલક, જોયા પછી નહીં આવે વિશ્વાસ
Vande Bharat Sleeper Train: ભારતીય રેલવેના કરોડો મુસાફરો વંદે ભારત સ્લીપર ટ્રેનના શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રેલવે આ ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. પહેલી ટ્રેનનો ટ્રાયલ રન પૂર્ણ થઈ ગયો છે, પરંતુ તેની સાથે બીજી ટ્રેન પણ ટૂંક સમયમાં તૈયાર થવાની અપેક્ષા છે. પહેલી ટ્રેન નવી દિલ્હી-શ્રીનગર રૂટ પર 180 કિમી/કલાકની ઝડપે દોડશે.
નવી દિલ્હીમાં આયોજિત ઈન્ટરનેશનલ રેલવે ઈક્વિટપમેન્ટ પ્રદર્શન (IREE 2025)માં, ભારત-રશિયાની સંયુક્ત સાહસ કંપની કાઈનેટ રેલવે સોલ્યુશન્સે વંદે ભારત સ્લીપર ટ્રેન માટે ફર્સ્ટ એસી કોચની ડિઝાઇનનું અનાવરણ કર્યું છે. આ ટ્રેન મુસાફરોને નાઈટ જર્ની દરમિયાન લાંબી મુસાફરીમાં આરામદાયક સફરની સુવિધા પ્રદાન કરશે.
કાઈનેટ રેલવે સોલ્યુશન્સ દ્વારા ફર્સ્ટ એસીના ચાર બર્થવાળા કોચની ડિઝાઇન રજૂ કરી છે. આ કોચ આરામદાયક અને વધારે ઓપન છે. તેમાં ઉપર બર્થ સુધી પહોંચવા માટે ખૂબ જ શાનદારા સીડી આપવામાં આવી છે. સુવિધાઓની વાત કરવામાં આવે તો દરેક સીટ પર USB પોર્ટ, પર્સનલ રીડિંગ લાઇટ્સ અને સ્માર્ટ સ્ટોરેજનો સમાવેશ થાય છે.
સીડીની નીચે એક નાની જગ્યા પુસ્તકો, ફોન અથવા ઘડિયાળો રાખવા માટે આપવામાં આવી છે. કાઈનેટ રેલવે સોલ્યુશન્સ એ રશિયન કંપની TMH અને ભારતની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તેને રેલવે માટે 120 વંદે ભારત સ્લીપર ટ્રેનો (1,920 કોચ) બનાવવા અને મેન્ટેનન્સની જવાબદારી સોંપવામાં આવી છે.
લાતુરમાં મરાઠવાડા રેલ કોચ ફેક્ટરીને મોર્ડન બનાવવામાં આવી રહી છે અને 2025ના અંત સુધીમાં પ્રોડક્શન શરૂ થશે. કંપની જૂન 2026માં પ્રથમ પ્રોટોટાઇપ રજૂ કરશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, બે વંદે ભારત સ્લીપર ટ્રેનો એકસાથે શરૂ કરવામાં આવશે. બીજી ટ્રેન સંપૂર્ણપણે તૈયાર થયા પછી શરૂ કરવામાં આવશે. પહેલી ટ્રેન જાન્યુઆરી 2026માં શરૂ થવાની ધારણા છે.
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસી કોચ હશે. તેમાં રાજધાની ટ્રેનો જેવી જ સુવિધાઓ મળશે. આ ટ્રેન ઝડપી, સલામત અને આધુનિક હશે.
Trending Photos




