)
Positive Thinking: આજના સમયમાં વ્યક્તિનું જીવન ટેકનોલોજી અને વિવિધ પ્રકારના સાધનથી સંપન્ન તો થઈ ગયું છે પરંતુ તેના કારણે જ લોકો પોતાની માનસિક શાંતિ અને સંતુષ્ટીનો ભાવ ગુમાવી રહ્યા છે. જેના કારણે લોકોના મનમાં નિરાશા, તણાવ અને નકારાત્મક વિચારો વધી જાય છે. સુખેથી જીવન જીવતા વ્યક્તિના મનમાં પણ સતત નિરાશા હોય છે. નિરાશા એક પ્રકારની નેગેટિવ લાગણી છે. જેમાં વ્યક્તિની અપેક્ષાઓ અને મનનો ઉત્સાહ ભાંગી પડે છે. મોટાભાગે આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી ન પહોંચી શકે તેને મહત્વના કામમાં નિષ્ફળતા મળે કે પછી તેના જીવનમાં કોઈ દુઃખદ ઘટના બને. આ સ્થિતિમાંથી બહાર આવવું સરળ નથી હોતું. પરંતુ તેનો મતલબ એવો પણ નથી કે આ કામ અશક્ય છે. જો વ્યક્તિ ધીરજ રાખી પોઝિટિવ વિચારો પર અને પોતાની લાગણી પર નિયંત્રણ રાખે તો તે નિરાશાને પણ આશામાં બદલી શકે છે. જીવનમાંથી કોઈ જતું રહે કે પછી નિષ્ફળતાનો સામનો કરવો પડે વ્યક્તિએ કેટલીક બાબતોને મનમાં રાખવી જોઈએ. એક વ્યક્તિ પોતાની ઈચ્છા શક્તિથી નિરાશાના ઘર અંધારામાંથી પણ બહાર આવી શકે છે. આ કામ કરવામાં તમને મદદ કરે તેવી કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ જણાવીએ.
સ્વીકાર કરો અને સમજો
એક સમય હતો જ્યારે લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા જેના કારણે મોટામાં મોટું દુઃખ પણ લોકો સાથે મળીને સહન કરી લેતા હતા પરંતુ હવે લોકો એકાંકી જીવન જીવે છે. અને લોકોનું ધ્યાન સફળતા મેળવવી, અમીર બનવું જેવી ભૌતિક બાબતો પર કેન્દ્રિત થયું છે. જેના કારણે મગજમાં નિરાશા, ઉદાસી અને સ્વભાવમાં આક્રમકતા વધી જાય છે.. આ સ્થિતિમાં વ્યક્તિએ સમજવું જોઈએ કે જીવનમાં આવતી સમસ્યા કે નિષ્ફળતા એક અસ્થાયી અવસ્થા છે.. તેના પર તુરંત આક્રમક થઈ જવાને બદલે કે નિરાશ થઈ જવાને બદલે પરિસ્થિતિને સ્વીકારો અને ફરી વખત ઈમાનદારીથી પ્રયત્ન કરો.
પોઝિટિવ વિચાર અપનાવો
નિરાશાથી છુટકારો મેળવવાનો સૌથી અસરકારક અને ઝડપી ઉપાય છે પોઝિટિવ વિચાર. સફળતા મળશે તેવી આશા મનમાં છવાયેલા નિરાશાના અંધકારને દૂર કરે છે. તેથી સકારાત્મક વિચાર સાથે આગળ વધવું. એક વાત મનમાં હંમેશા રાખવી કે મુશ્કેલ અને સમસ્યા જીવનનો એક અભિન્ન ભાગ છે. સમસ્યા આવી છે તો તેનું સમાધાન પણ આવશે. કોઈ સમસ્યા સ્થાયી હોતી નથી. આવા પોઝિટિવ વિચાર સાથે પ્રયત્ન કરતા રહો તો સફળતા ચોક્કસ મળશે અને મનમાંથી નિરાશા પણ દૂર થશે.
મનપસંદ કામથી શરૂઆત
જ્યારે મનમાં નિરાશા હોય છે ત્યારે કોઈ પણ કામ કરવાની ઈચ્છા નથી હોતી. રોજના જે કામ હોય તેને કરવાનું પણ મન થતું નથી.. પરંતુ આ સમયે એવો હોય છે જ્યારે કામ કરવું જરૂરી જ હોય છે.. તેથી જ્યારે મનમાં નિરાશા હોય ત્યારે ઉદાસ થઈને બેસી રહેવાને બદલે એવા કામની યાદી બનાવો જે તમને કરવા હોય અને જેને કરવાથી તમને સંતુષ્ટીનો અનુભવ થતો હોય.. જ્યારે તમે મનપસંદ કામથી દિવસથી શરૂઆત કરશો તો મનમાં વિશ્વાસ વધશે અને ધીરે ધીરે રૂટીન કામ પણ શરૂ થઈ જશે
મિત્રો સાથે વાતચીત કરો
જ્યારે પણ મનમાં નિરાશા અને નેગેટિવ વિચારો વધવા લાગે ત્યારે તમે જે પણ અનુભવ કરો છો તે પોતાના મિત્ર સાથે શેર કરો. મનની વાત કોઈ ખાસ વ્યક્તિને કહી દેવાથી હળવાશનો અનુભવ થાય છે અને સાથે જ મનમાં વધેલી નેગેટિવિટી ધીરે ધીરે ઓછી થવા લાગે છે.. અને નિરાશા આશામાં બદલી જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)