)
Women Extramarital Affair: લગ્ન પહેલા ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હોય તે સામાન્ય વાત છે. પાસ્ટ કોઈપણ વ્યક્તિનો હોય શકે છે. પરંતુ લગ્નના વર્ષો પછી જ્યારે પોતાના જીવનસાથીની હયાતીમાં પરસ્ત્રી કે પરપુરુષની એન્ટ્રી જીવનમાં થાય તો આંચકો લાગે છે. ઘણા પુરુષો અને સ્ત્રી લગ્નના વર્ષો પછી બાળકો મોટા થઈ રહ્યા હોય ત્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેરના ચક્કરમાં પડી જતા હોય છે. પુરુષોના અફેરની વાત પર એટલું આશ્ચર્ય થતું નથી પરંતુ જ્યારે સ્ત્રીના અફેરની વાત સામે આવે છે ત્યારે વધારે આશ્ચર્ય થાય છે.
સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાના પતિ અને પરિવારને સમર્પિત થઈ ને જીવન જીવતી હોય છે તેવામાં સ્ત્રીના જીવનમાં વર્ષો પછી પરપુરુષની એન્ટ્રી થાય તો પ્રશ્ન આવે કે એક પત્ની, માતા, પુત્રવધુ આવું કઈ રીતે કરી શકે? એક્સ્ટ્રા મેરિટલ અફેરની ઘટના સ્ત્રીઓના જીવનમાં 35 પછીની ઉંમરે વધારે બનતી હોય છે. આ સ્થિતિમાં એક પ્રશ્ન એવો પણ થાય કે વધતી ઉંમરે એવું તો શું ચાલતું હોય સ્ત્રીના મનમાં કે તે એક્સ્ટ્રા મેરિટલ અફેરના ચક્કરમાં પડી જાય છે. તો ચાલો તમને જણાવીએ એવા કારણો વિશે જે સ્ત્રીને એક્સ્ટ્રા મેરિટલ અફેરના રસ્તે લઈ જાય છે.
સ્ત્રીના એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણો
- 35 વર્ષની ઉંમર પછી મહિલાઓ ચુપચાપ ઈમોશનલ કે ફિઝિકલ અફેર તરફ આગળ વધે તેની પાછળ મોટાભાગે ઘરમાં થતી તેની ઉપેક્ષા, એકલતા અને પોતાની જાતને ગુમાવ્યાની લાગણી હોય છે. જ્યારે ઘરમાં સ્ત્રીને કોઈ સમજતું ન હોય ત્યારે આવું થઈ શકે છે.
- લગ્નના થોડા વર્ષો પછી મહિલાઓને ઘરમાં ઈગ્નોર કરવામાં આવે છે અથવા તો ટેકન ફોર ગ્રાંટેડ લઈ લેવામાં આવે છે. તેની વાત ન તો પતિ સાંભળે ન મોટા થતા બાળકો. આ ઉંમરે તેને એવું લાગવા લાગે છે કે તેનું કોઈ અસ્તીત્વ નથી તે ફક્ત એક પતિ, માતા અને પુત્રવધુ જ છે. તેના માટે લાઈફમાં કોઈ રોમાંચ હોતો નથી તે બસ ડ્યુટી પુરી કેર છે, આવા અનુભવ થતા હોય તે સ્ત્રીને કોઈ સમજવા વાળું મળે તો તે એક્સ્ટ્રા મેરિટલ અફેર તફર આગળ વધી જાય છે.
- 35 વર્ષની ઉંમર પછી શરીરમાં હોર્મોનલ ફેરફાર પણ થતા હોય છે. આ સમયે સ્ત્રીને ઈમોશનલ અને ફિઝિકલ ક્લોઝનેસની જરૂર પડે છે. પરંતુ લગ્નજીવનમાં રોમાંચ ન હોય, પતિ ધ્યાન ન આપે અને તે સમયે સ્ત્રીને અન્ય તરફથી થોડી પણ લાગણી મળે તો તે સમયે એક્સ્ટ્રા મેરિટલ અફેર શરુ થઈ શકે છે.
- ઘણીવાર પતિ પત્નીના સંબંધો લગ્ન પછી નિરસ થઈ જાય છે. સંબંધ ફક્ત જવાબદારીઓ, બાળકો અને કામ પુરતા રહે છે ત્યારે પ્રેમ, ખુશી ઘરમાં મળતા નથી. તેવામાં પાર્ટનર પાસે હોવા છતાં દુર હોય તેમ લાગે છે અને મન પ્રેમ શોધવા માટે ભટકવા લાગે છે.
- ઘરમાં ઉપેક્ષા થતી હોય તેવામાં જો બહારની કોઈ વ્યક્તિ તેને પ્રેમથી બોલાવે, તેની કેર કરે, તેની વાતો સાંભળે તો સ્ત્રી તેના તરફ આકર્ષિત થઈ શકે છે.
એક્સ્ટ્રા મેરિટલ અફેર પુરુષ કરે કે સ્ત્રી કરે બંને સ્થિતિ ખરાબ છે. પરંતુ વાત જ્યારે સ્ત્રીની હોય તો સ્થિતિ પુરુષ સંભાળી શકે છે. પત્નીની વાત સાંભળવી, પત્નીને જરૂરીયાતનું ધ્યાન રાખવું, લગ્નજીવનમાં આવેલો ખાલીપો ભરવાથી સ્થિતિ સુધરી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)