Apara Ekadashi 2025: મે મહિનામાં કઈ તારીખે આવશે અપરા એકાદશી ? જાણો વ્રત રાખવાનું મહત્વ અને પૂજા વિધિ
Apara Ekadashi 2025: અપરા એકાદશીનું વ્રત કરવું શુભ માનવામાં આવે છે. અપરા એકાદશી વર્ષ દરમિયાન આવતી એકાદશીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે અપરા એકાદશીના દિવસે ખાસ યોગ પણ સર્જાશે.
Trending Photos
Apara Ekadashi 2025: વર્ષ દરમિયાન આવતી એકાદશીમાંથી કેટલીક એકાદશી વિશેષ હોય છે. આવી જ ખાસ એકાદશી છે અપરા એકાદશી. અપરા એકાદશીનું વ્રત કરવું પુણ્યશાળી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ એકાદશી કરવાથી પાપથી મુક્તિ મળે છે. અપરા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યા જેવા ઘોર પાપથી પણ મુક્તિ મળી શકે છે. આ વર્ષે અપરા એકાદશી પર કેટલાક શુભ યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે જે અપાર ધન, સમૃદ્ધિ અપાવી શકે છે.
અપરા એકાદશી ક્યારે ઉજવાશે?
પંચાંગ અનુસાર અપરા એકાદશીની તિથિ 22 મે રાત્રે 1.13 મિનિટથી શરૂ થશે અને 23 મે ની રાત્રે 11:30 મિનિટે સમાપ્ત થશે. ઉદયાતિથિ અનુસાર અપરા એકાદશીનું વ્રત 23 મે 2025 અને શુક્રવારે રાખવાનું છે. અપરા એકાદશી વ્રતના પારણા 24 મે ના દિવસે કરવામાં આવશે.
અપરા એકાદશીના શુભ યોગ
આ વર્ષે અપરા એકાદશીના દિવસે આયુષ્માન યોગ, પ્રીતિ યોગનો સંયોગ સર્જાઇ રહ્યો છે. આ સાથે જ બુધ પણ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે વૃષભ રાશિમાં બુધાદિત્ય રાજ્યોગ બનશે. આ યોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા અપાવી શકે છે. અપરા એકાદશીના દિવસે શુક્રવાર હોવાથી માં લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાની પણ તક મળશે.
અપરા એકાદશીનું વ્રત અને પૂજા વિધિ
અપરા એકાદશીના એક દિવસ પહેલા સાત્વિક ભોજન કરવું. અપરા એકાદશીના દિવસે સવારે જલ્દી જાગી સ્નાન કરી લેવું અને પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી વ્રત કરવાનો સંકલ્પ લેવો. ત્યાર પછી પૂજા સ્થળને સાફ કરી ગંગાજળ છાંટી શુદ્ધ કરો. એક બાજોઠ પર પીળું કપડું પાથરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની તસવીર રાખો. ભગવાનનો અભિષેક કરો અને વસ્ત્ર આભૂષણ તેમજ ફૂલ ચઢાવો. ત્યાર પછી હળદર, ચંદન અને ચોખાનું તિલક કરો. ભગવાનને મીઠાઈ અને ફળનો ભોગ ધરાવો અને અપરા એકાદશીની કથા વાંચો. છેલ્લે ભગવાનની આરતી કરીને પ્રસાદ પરિવારના લોકોને ખવડાવી પોતે ગ્રહણ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે