)
Ganesh Chaturthi 2025: હિન્દુ ધર્મમાં 10 દિવસના ગણેશ ઉત્સવને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ગણેશ ચતુર્થીથી શરૂ થતા દસ દિવસના ગણેશોત્સવને દેશભરમાં ઉત્સાહ, ઉલ્લાસ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. આમ તો દેશભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે પરંતુ મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધૂમ જોવાલાયક હોય છે.
ભાદરવા મહિનાની ચતુર્થી એટલે કે ચોથની તિથિ પર ગણેશ ઉત્સવ શરૂ થાય છે અને અનંત ચતુર્દશી સુધી ગણેશોત્સવ ચાલે છે. માન્યતા છે કે આ 10 દિવસ દરમિયાન સ્વયં ભગવાન ગણપતિ ધરતી પર ભક્તોને આશીર્વાદ આપવા માટે બિરાજમાન રહે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે અને ગણેશ સ્થાપનાથી લઈને ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત કયા છે ચાલો જાણીએ.
ગણેશ ચતુર્થી 2025
ભાદરવા મહિનાની ચતુર્થી એટલે કે ચોથની તિથિથી 10 દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ધામધૂમથી ગણેશજીની પ્રતિમા ઘરે લઈ આવે છે અને તેમની વિધિવત પૂજા કરી ઘરમાં સ્થાપિત કરે છે. સાર્વજનિક સ્થળો પર પણ વિશાલકારી પંડાલમાં ગણપતિબાપા વિરાજમાન થાય છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે.
પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની ચોથ 26 ઓગસ્ટ બપોરે 1.54 મિનિટ થી શરૂ થશે અને 27 ઓગસ્ટે બપોરે 3.44 મિનિટ સુધી રહેશે. ઉદયાતિથિ અનુસાર ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ અને બુધવારે ઉજવવામાં આવશે.
ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની સ્થાપના અને પૂજા કરવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત સવારે 11.05 મિનિટથી બપોરે 1:40 સુધીનું રહેશે.. એટલે કે ભક્તોને 2.34 મિનિટ સુધીનો સમય ગણેશજીની સ્થાપના અને પૂજા કરવા માટે મળશે. આ વર્ષે ગણેશ ચતુર્થી પર કેટલાક શુભ યોગ પણ બનવાના છે જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
અનંત ચતુર્દશી 2025
ગણેશ ઉત્સવ 10 દિવસ ચાલે છે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરવાની હોય છે અને અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે અને તેમને વિદાય આપવામાં આવે છે.. જોકે ઘણા લોકો 10 દિવસના ગણપતિને બદલે દોઢ દિવસના ગણપતિ, ત્રણ દિવસ, પાંચ દિવસ અને સાત દિવસના ગણપતિની સ્થાપના પણ કરે છે. પરંતુ 10 દિવસ ગણેશ સ્થાપના કરતા હોય તેઓ ગણપતિ વિસર્જન 6 સપ્ટેમ્બર 2025 ના રોજ કરી શકશે. આ દિવસે અનંત ચતુર્દશી છે અને ગણિત વિસર્જન આ દિવસે કરવાનું રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)