)
Ganesh chaturthi 2025: આ વર્ષે ગણેશ મહોત્સવ 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રહેશે. 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થી ઉજવાશે અને આ દિવસે ગણેશ સ્થાપના કરવાની રહેશે. ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તો ઘરે પણ ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરતા હોય છે. પરંતુ ભગવાન ગણેશની મૂર્તિ લાવતા પહેલા કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.
ખૂબ ઓછા લોકો જાણે છે કે ગણેશજીની અલગ અલગ મૂર્તિઓ અલગ અલગ ફળ આપે છે અને દરેક રંગની મૂર્તિનું નામ પણ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે પીળા અને લાલ રંગની ગણપતિ મૂર્તિની ઉપાસના વધારે છે. આ રંગ ઘરમાં સ્થાપિત કરવા માટે શુભ હોય છે. વાદળી રંગના ગણપતિને ઉચ્છિષ્ટ ગણપતિ કહેવાય છે. તેમની ઉપાસના વિશેષ દશાઓમાં કરવામાં આવે છે. હળદરથી બનેલા કે હળદરના લેપ વાળા ગણપતિને હરિદ્રા ગણપતિ કહેવામાં આવે છે. આવી મૂર્તિ વિશેષ મનોકામના માટે શુભ ગણાય છે.
એકદંત ગણપતિ કે શ્યામવર્ણ ગણપતિની ઉપાસના પરાક્રમ પ્રાપ્તિ માટે કરવાની હોય છે. સફેદ રંગની ગણપતિની મૂર્તિને ઋણમોચન ગણપતિ કહેવાય છે. તેમની ઉપાસના ઋણોથી મુક્તિ માટે કરવામાં આવે છે. લાલ રંગના અને ચાર ભુજાવાળા ગણપતિને સંકષ્ટહરણ ગણપતિ કહેવામાં આવે છે. તેમની સ્થાપનાથી સંકટોનો નાશ થાય છે. ઘરમાં સ્થાપિત કરવાની વાત હોય તો પીળા રંગ કે લાલ રંગની મધ્યમ આકારની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી શુભ ગણાય છે.
ગણેશ સ્થાપના કરવાની વિધિ
ઘરમાં ગણેશ સ્થાપના સાદગી પૂર્વક કરવી હોય તો પણ ગણેશ સ્થાપના શુભ મુહૂર્તમાં કરવી જરૂરી હોય છે. તેના માટે લાડકાની ચોકી તૈયાર કરવી અને તેના પર પીળા રંગનું વસ્ત્ર પાથરવું. ચોકી પર તાંબાના કળશમાં જળ ભરી રાખવો અને તેના પર શ્રીફળ પધરાવવું. ત્યારબાદ શુભ મુહૂર્તમાં મૂર્તિ સ્થાપિત કરવી. ગણપતિજી સામે ઘીનો અખંડ દીવો કરવો અને તેમને ફળ, ફુલ અને શ્રૃંગાર અર્પણ કરવો. બપોરના સમયે ભગવાનને લાડુ સહિતની સામગ્રી ધરાવવી અને સંધ્યા સમયે આરતી કરવી. ભગવાનની સ્થાપના કરી હોય તે દિવસે ફળાહાર કરવો.
ગણેશ સ્થાપના દરમિયાન કઈ ભુલ ન કરવી ?
- ચતુર્થીની પૂજા દરમિયાન પીળા અથવા સફેદ વસ્ત્ર પહેરવા. કાળા રંગના વસ્ત્ર પહેરવા નહીં.
- ગણેશજીની પ્રતિમા જો ઘરમાં સ્થાપિત કરવાની હોય તો વધારે મોટી ન હોવી જોઈએ.
- જો તમે જાતે નદીની માટીમાંથી પ્રતિમા બનાવો છો તો સર્વશ્રેષ્ઠ ફળ મળે છે.
- ગણેશ ચતુર્થીના વ્રતનું પારણું ચંદ્ર પૂજા વિના કરવું નહીં. આ દિવસે ચંદ્રોદય થાય પછી નજર નીચી રાખી ચંદ્રને જળ અર્પણ કરી પછી જ વ્રતનું સમાપન કરવું.
- ગણેશજીને પૂજામાં તુલસી દલ ચઢાવવું નહીં.
- જ્યાં સુધી ઘરમાં ગણેશજી બિરાજમાન હોય ત્યાં સુધી ક્રોધ કરવો નહીં, સાત્વિક ભોજન કરવું અને વાણી પર નિયંત્રણ રાખવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)