)
Navratri 2025 : નવરાત્રીનો તહેવાર હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષ દરમિયાન આવતી નવરાત્રીમાં શારદીય નવરાત્રી વિશેષ હોય છે. માન્યતા છે કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગા સ્વયં ધરતી લોક પર પધારે છે. માતાનું સ્વાગત કરવા ભક્તો નવરાત્રી પહેલાથી જ ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. નવરાત્રી શરૂ થવાને ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે દરેક ઘરમાં નવરાત્રી પહેલાંની સાફ-સફાઈ પણ શરૂ થઈ જાય છે.
નવરાત્રીમાં ઘરમાં ઘટસ્થાપન કરતા પહેલા સાફ-સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે પણ નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી હોય તો સાફ સફાઈ દરમિયાન આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું. નવરાત્રીમાં ઘરની સફાઈ કરો ત્યારે કેટલીક વસ્તુઓ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. આ વસ્તુઓ ઘરમાં નેગેટિવિટી વધારે છે. તેથી નવરાત્રીમાં માતાના આગમન પહેલા આ વસ્તુઓને દૂર કરી દેવી.
તૂટેલી વસ્તુઓ
નવરાત્રી પહેલા ઘરમાં સાફ-સફાઈ કરો ત્યારે ઘરમાં રાખેલી તૂટેલી વસ્તુઓ અને નકામી વસ્તુઓને બહાર કાઢી નાખો. તૂટેલી વસ્તુઓમાં તૂટેલા રમકડાં, વાસણ, ડેકોરેટિવ આઈટમ અને ખાસ કરીને કાચની વસ્તુઓનો સમાવેશ થાય છે. કાચની થોડી પણ તૂટેલી વસ્તુ ઘરમાં રાખવી નહીં. ઘરની સાફ-સફાઈ દરમિયાન આવી વસ્તુઓને ઘરમાંથી દૂર કરી દેવી.
ખંડિત મૂર્તિ અને તસવીરો
ઘરના મંદિરની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ઘટસ્થાપન પહેલા મંદિર સારી રીતે સાફ કરીને માતાની સ્થાપના કરવી. જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે જે તેવી દેવતાઓની મૂર્તિ કે તસવીરો ખંડિત થઈ ગઈ હોય તેમને હટાવી દેવી જોઈએ. ખંડિત તસવીરો અને મૂર્તિને હટાવી તેની જગ્યાએ નવી મૂર્તિઓ સ્થાપિત કરો.
ફાટેલા કપડાં અને જૂતા
નવરાત્રીમાં ઘરની સાફ-સફાઈની સાથે કબાટની સાફ-સફાઈ પણ કરવી. કબાટમાં રાખેલા વધારાના ફાટેલા અને જુના કપડાને કાઢી નાખવા જોઈએ. નવરાત્રી પહેલા ફાટેલા કપડાનો પણ નિકાલ કરી દેવો. આવા કપડા ઘરમાં નેગેટિવિટી જાળવી રાખે છે. જે કપડાનો ઉપયોગ ન થતો હોય તેને પણ કોઈને ડોનેટ કરી દેવા જોઈએ. સાથે જ જે જૂતાનો ઉપયોગ ન થતો હોય તેને પણ નવરાત્રી પહેલા ઘરમાંથી કાઢી નાખવા જોઈએ.
બંધ ઘડિયાળ
નવરાત્રીની સફાઈ દરમિયાન જો ઘરમાં કોઈ બંધ ઘડિયાળ પડેલી જોવા મળે તો તેનો પણ નિકાલ કરી દો. બંધ થયેલી ઘડિયાળને રીપેર કરાવી લો અથવા તો ફેંકી દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બંધ ઘડિયાળ ખરાબ સમય અને નેગેટિવિટીના આકર્ષિત કરે છે. નવરાત્રી શુભ અવસર છે તેથી આવી નકારાત્મક વસ્તુઓ ઘરમાં રાખવી નહીં.
નકામી વસ્તુઓ ઘરમાંથી દૂર કરવાની સાથે નવરાત્રી દરમિયાન ખાવા પીવામાં તામસીક વસ્તુઓનું સેવન ન કરવું. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ઘરમાં માતાજીની સ્થાપના હોય તો નોનવેજ, દારૂ, લસણ, ડુંગળીનું સેવન કરવું. સાથે જ ચામડાની વસ્તુઓનો ઉપયોગ પણ કરવો નહીં. નવરાત્રિના નવ દિવસ દરમિયાન સંપૂર્ણ રીતે સાત્વિક જીવનશૈલી અપનાવવી અને માતાની આરાધના કરવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)