)
Janmashtami 2025: ભગવાન શ્રીકૃષ્ણના અનેક નામ છે. લોકો તેને અલગ અલગ નામે બોલાવે છે. ભગવાન કૃષ્ણના જે રીતે નામ અલગ છે તેમ તેના સ્વરૂપો પણ અલગ અલગ છે. ભગવાન શ્રીકૃષ્ણના અલગ અલગ સ્વરૂપની પૂજા થાય છે. પરંતુ સામાન્ય રીતે ઘરમાં લડ્ડુ ગોપાલની પૂજા વધારે થતી હોય છે. ઘરમાં લડ્ડુ ગોપાલ રાખવામાં આવે છે અને તેમની પૂજા કરાય છે. મોટાભાગના ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપ જેને લડ્ડુ ગોપાલ કહે છે તેની જ પૂજા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણના આ સ્વરૂપનું નામ લડુ ગોપાલ શા માટે પડ્યું ? ભગવાનના લડ્ડુ ગોપાલ સ્વરૂપ પાછળ એક પૌરાણિક કથા છે.
પૌરાણિક કથા અનુસાર વ્રજભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણના એક પરમ ભક્ત થયા જેનું નામ હતું કુંભનદાસ. કુંભનદાસજી હંમેશા ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેતા અને દિવસ રાત તેમની સેવા કરતા આ કારણથી તેઓ બહાર પણ જતા નહીં. એક દિવસ કુંભનદાસજીને ભાગવત કથાનું આમંત્રણ મળ્યું. પહેલા તો તેમણે ના કહી દીધી પરંતુ જ્યારે લોકોએ તેમને બહુ જ આગ્રહ કર્યો ત્યારે તેમણે કથાનું નિમંત્રણ સ્વીકારી લીધું. કુંભનદાસજીએ નક્કી કર્યું કે તે ભગવાનની સેવાની તૈયારી કરીને કથા માટે જશે અને કથા કરીને તુરંત પાછા આવશે.
કથામાં જતા પહેલા કુંભનદાસજીએ ભગવાનના ભોગની તૈયારી કરી લીધી અને પોતાના દીકરા રઘુનંદનને સમજાવ્યું કે ઠાકોરજીને સમય થાય એટલે ભોગ લગાવી દેવો. કુંબનદાસજીએ દીકરા રઘુનંદનને સમજાવ્યું કે ભોજનની થાળી ઠાકોરજી સામે ધરી અને તેમને ભોજન કરવાનો આગ્રહ કરવાનો હોય છે. ત્યાર પછી તેઓ કથા માટે નીકળી ગયા અને રઘુનંદનને સમય થયો એટલે ઠાકોરજી સામે ભોગની થાળી ધરાવી ભોજન કરવાનો આગ્રહ કર્યો. રઘુનંદન પણ એટલો ભોળો હતો કે તેને એવું લાગ્યું કે ઠાકોરજી સ્વયં ભોજન કરવા આવશે. તેણે જોયું કે ઠાકોરજીની મૂર્તિ હલી નહિ અને ઠાકોરજીએ ભોજન કર્યું નહીં.
આ જોઈને રઘુનંદન રડવા લાગ્યો અને ભગવાનને બોલાવીને પ્રાર્થના કરવા લાગ્યો કે ભગવાન ભોજન કરવા આવો. રઘુનંદનની આજીજી સાંભળીને ઠાકોરજી બાળ સ્વરૂપ ધારણ કરી ભોજન કરવા આવ્યા.
કથા પછી કુંભનદાસજી જ્યારે ઘરે આવ્યા તો તેણે દીકરા રઘુનંદન પાસેથી પ્રસાદ માંગ્યો. રઘુનંદનને તેમને કહ્યું કે ઠાકોરજી બધું જ ભોજન કરી ગયા. પહેલા તો કુંભનદાસને લાગ્યું કે તેના દીકરાને ભૂખ લાગી હશે એટલે તેણે જ બધો પ્રસાદ લઈ લીધો હશે. ત્યાર પછી જ્યાં સુધી કથા ચાલી ત્યાં સુધી રોજ આવું થવા લાગ્યું કે ભગવાનના ભોગની થાળી કુંભનદાસજીને ખાલી મળતી. તેમને મનમાં પ્રશ્ન થયો કે આવું કેવી રીતે થાય છે ?
એક દિવસ કુંભનદાસજી ભગવાન માટે લાડુ બનાવીને થાળીમાં રાખ્યા. અને રઘુનંદન ને કહ્યું કે ભગવાનને ભોગ ધરાવે. ત્યાર પછી કુંભનદાસજી સંતાઈને જોવા લાગ્યા કે રઘુનંદન શું કરે છે ? રઘુનંદનને ઠાકોરજી સામે લાડુ ભરેલી થાળી રાખી કે ઠાકોરજી પ્રગટ થઈ ગયા અને બાળ સ્વરૂપોમાં લાડુ ખાવા લાગ્યા.
આ દ્રશ્ય કુંબલદાસ જોતા જ રહી ગયા અને ભગવાનનું બાળ સ્વરૂપ જોઈ તેમની તરફ ભાગ્યા અને ભગવાનના ચરણોમાં પડી ગયા. તે સમયે ભગવાનના બાલ સ્વરૂપના હાથમાં એક લાડુ હતો અને તેને ભગવાન ખાવા જઈ રહ્યા હતા. પરંતુ કુંભનદાસજીને જોઈને ભગવાન જડ થઈ ગયા. ત્યારથી ભગવાનના બાળ સ્વરૂપના હાથમાં એક લાડુ રહે છે અને ભગવાનના આ સ્વરૂપને પણ લડ્ડુ ગોપાલ નામ આપી તેમને પૂજવામાં આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)