)
Mangal Ast 2025: નવેમ્બર મહિનાના પહેલા દિવસે એટલે કે 1 નવેમ્બર 2025 અને શનિવારે સાંજે ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની જ રાશિ વૃશ્ચિકમાં અસ્ત થઈ જશે. મંગળ ગ્રહ સૂર્યની નજીક આવવાના કારણે અસ્ત થઈ જશે. મંગળ ગ્રહ સાહસ, ઊર્જા, પરાક્રમ અને નેતૃત્વનો કારક ગ્રહ છે. જ્યારે કોઈ ગ્રહ અસ્ત થઈ જાય છે તો તેની શક્તિ ગુમાવે છે કારણ કે સૂર્યની ઉર્જા તેના પ્રભાવને ઘટાડી નાખે છે. મંગળ 2 મે 2026 સુધી અસ્ત અવસ્થામાં રહેશે. આ વખતે મંગળ 182 દિવસ સુધી અસ્ત રહેશે. મંગળના અસ્ત થવાથી સ્વાસ્થ્ય, કરિયર, સંબંધો અને આર્થિક બાબતોમાં કેટલીક રાશિના લોકોને પડકારનો સામનો કરવો પડી શકે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ જ્યારે સૂર્યની 17 ડિગ્રીની અંદર આવે છે તો તે અસ્ત ગણાય છે. મંગળ પોતાની રાશિમાં સૌથી શક્તિશાળી સ્થિતિમાં હોય છે પરંતુ હવે મંગળ 2026 સુધી અસ્ત અવસ્થામાં રહેશે. જેના કારણે સ્વાસ્થ્યમાં રક્ત સંબંધિત સમસ્યા, કરિયરમાં બાધા, સંબંધોમાં સમસ્યા, ક્રોધ વધી જવો અને દુર્ઘટના થવા જેવું જોખમ વધી શકે છે. મંગળનો પ્રભાવ વિશેષ રીતે ભાઈ, બહેન, સંપત્તિ અને વૈવાહિક જીવન પર પડે છે. મંગળના અસ્ત થવાથી કઈ રાશિના લોકો પર વિપરીત પ્રભાવ જોવા મળશે ચાલો તે પણ જણાવીએ.
મેષ રાશિ
મંગળ આ રાશિનો સ્વામી ગ્રહ છે. મંગળનું અસ્ત થવું આ રાશિના લોકો માટે મુશ્કેલ સમય સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સમસ્યા આવી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ ગેરસમજના કારણે પ્રગતિ અટકી શકે છે. આ સમયે રોકાણ જોખમ ઊભું કરી શકે છે. લવ લાઇફમાં ગેરસમજના કારણે તણાવ થઈ શકે છે. મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે મંગળવારે હનુમાન ચાલીસાનો સાત વખત પાઠ કરી શકાય છે
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે પણ અસ્ત મંગળ સમસ્યા સર્જી શકે છે. ખાસ તો સંબંધો પર મંગળની અસર થઈ શકે છે. જીવનસાથી સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે જેના કારણે વૈવાહિક સુખ પ્રભાવિત થશે. સ્વાસ્થ્યમાં સમસ્યાઓ આવી શકે છે. અણધાર્યા ખર્ચના કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે. આ સમય દરમિયાન વાણી પર સંયમ રાખવો જરૂરી છે નાનકડી વાત પણ મોટો વિવાદ બની શકે છે. આ સમય દરમિયાન દર મંગળવારે હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને પણ અસ્ત મંગળ પડકારો આપી શકે છે. આ સમય દરમિયાન સંતાન સંબંધિત ચિંતા વધી શકે છે. લવ લાઇફમાં પણ તકરાર થઈ શકે છે. રચનાત્મક કાર્યોમાં બાધા આવી શકે છે. કાર્યક્ષેત્રમાં નેતૃત્વ ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. આર્થિક રીતે જોખમ લેવું આ સમયે નુકસાનકારક હોઈ શકે છે. અપેક્ષિત પરિણામ ન મળે તેવું પણ બને. આ સમય દરમિયાન મંગળવારે સૂર્યને જળ અર્પણ કરી લાલ વસ્ત્રનું દાન કરો.
વૃશ્ચિક રાશિ
મંગળ પોતાની જ રાશિ વૃશ્ચિકમાં છે અને અસ્ત છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ અને વ્યક્તિગત ઉર્જા પ્રભાવિત થશે. સ્વાસ્થ્યમાં રક્ત કે ત્વચા સંબંધિત સમસ્યા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મહેનતનું ફળ ન મળે. શત્રુ નુકસાન પહોંચાડી શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ વધી શકે છે. આર્થિક સ્થિતિ પરેશાન કરનાર બની શકે છે. આ સમય દરમિયાન મંગળવારે મંગળ યંત્રની પૂજા કરી હનુમાનજીને ચોલા ચઢાવો.
કુંભ રાશિ
મંગળના અસ્ત થવાથી કુંભ રાશિના લોકોના કાર્યક્ષેત્રમાં બાધાઓ આવી શકે છે. બોસ કે સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે. પ્રમોશન કે પ્રોજેક્ટમાં વિલંબ આવી શકે છે. સ્વાસ્થ્યમાં કફ અને શ્વાસ સંબંધિત સમસ્યા થઈ શકે છે. આર્થિક નિર્ણયો લેવાથી બચવું. પ્રેમ જીવનમાં ગેરસમજની સ્થિતિ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓએ નિર્ણય લેવામાં ધ્યાન રાખવું. દર મંગળવારે હનુમાનજીના મંદિરમાં લાલ ફુલ ચડાવી મંગળ મંત્રની માળા કરવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)