)
Navratri 2025 Kalash Sthapna Vidhi: દર વર્ષે શારદીય નવરાત્રીનો પર્વ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસો દરમિયાન માં દુર્ગાની ભક્તિ અને શક્તિ જોવા મળે છે. નવરાત્રીનો પ્રારંભ આ વર્ષે 22 સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે. નવરાત્રીના પહેલા દિવસે ઘરે ઘરમાં ઘટ સ્થાપના કરવામાં આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ નવરાત્રીના 9 દિવસ માતાની આરાધના કરવા માટે ઘટ સ્થાપના કેવી રીતે કરવાની હોય છે.
આ વર્ષની નવરાત્રીની શરુઆત અત્યંત શુભ યોગો સાથે થઈ રહી છે. પહેલા નોરતે શુક્લ અને બ્રહ્મ યોગ જેવા સકારાત્મક યોગ બની રહ્યા છે. આ યોગોમાં પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થઈ શકે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
પંચાંગ અનુસાર આસો મહિનાની એકમ 22 સપ્ટેમ્બરે રાત્રે 1.33 મિનિટથી શરુ થશે અને 23 સપ્ટેમ્બરે 2.55 સુધી રહેશે. ઉદયા તિથિ અનુસાર એકમ 22 સપ્ટેમ્બરના રોજ માન્ય રહેશે તેથી ઘરમાં ગરબો અથવા કળશ પણ 22 તારીખ અને સોમવારે સ્થાપિત કરવાનો રહે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં ઘરમાં ઘટસ્થાપના કરી માં દુર્ગાની આરાધના શરુ કરવાની હોય છે.
ઘટસ્થાપનાનું મુહૂર્ત
આ વર્ષે ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 6.09 થી શરુ થશે અને 8.06 મિનિટ સુધી રહેશે. જો આ સમયે ઘટસ્થાપના અને પૂજા ન થઈ શકે તો 22 તારીખે 11.49 થી 12.38 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત હશે. આ સમય દરમિયાન ઘટસ્થાપના કરી શકાય છે.
ઘટસ્થાપનાની વિધિ
ઘટસ્થાપના પહેલા ઘર અને પૂજા સ્થળની સાફસફાઈ કરી લેવી. સવારે સ્નાન કરી સાફ વસ્ત્ર પહેરી લેવા અને શક્ય હોય તો આ દિવસે કોરા કપડા પહેરવા. ત્યારબાદ ઉત્તર કે પૂર્વ તરફ મોં કરી બેસવું. એક બાજોઠ પર સ્વસ્તિક બનાવો. ત્યારબાદ તેના પર કળશ અથવા ગરબો સ્થાપિત કરો. જો તમે ઘરમાં ગરબો પધરાવતા હોય તો તેના ઉપરના ભાગે નાળાછડી બાંધો અને તેની અંદર 7 પ્રકારના અનાજ મિક્સ કરી ભરો. ત્યારબાદ તેમાં સોપારી અને 1 રુપિયાનો સિક્કો પધરાવી તેમાં દીવો પ્રગટાવો. ત્યારબાદ પ્રસાદ ધરાવો અને માં દુર્ગાની આરતી કરો. પહેલા દિવસની પૂજા પછી નિયમિત સાંજે ગરબામાં દીવો પ્રગટાવી માતાજીની આરાધના કરવી અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરવી.
જો તમે ઘરમાં કળશ સ્થાપિત કરતા હોય તો કળશમાં પાણી ભરી તેમાં જવ સહિત સાત અનાજ પધરાવવા, સાથે જ તેમાં ચંદન, સોપારી, સિક્કો પધરાવી તેની ઉપર આંબાના 5 પાન રાખો. પાનની ઉપર એક માટીના પાત્રમાં ચોખા ભરીને રાખો અને તેની ઉપર શ્રીફળ પધરાવો. શ્રીફળ પર સ્વસ્તિક કરી માતાજી સમક્ષ દીવો પ્રગટાવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)