)
Guru Vakri 2025: ગુરુ ગ્રહ એટલે કે બૃહસ્પતિ ગ્રહને જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ ગ્રહ જ્ઞાન, સુખ, સૌભાગ્યનો કારક ગ્રહ ગણાય છે. કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત અને શુભ હોય તો વ્યક્તિનું જીવન સુખમયી રહે છે, તેને માન-સન્માન મળે છે, ભાગ્યનો સાથ મળે છે. જ્યારે ગુરુ ગ્રહ નબળો હોય તો કરિયરથી લઈ અંગત જીવનમાં ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. 11 નવેમ્બર 2025 થી ગુરુ ગ્રહ વક્રી થઈ રહ્યો છે. આ સમય એવા લોકો માટે વધારે મુશ્કેલ હશે જેમનો ગુરુ ગ્રહ નબળો છે.
કુંડળીમાં નબળા ગુરુના લક્ષણો
કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો છે કે મજબૂત છે તે કેટલાક લક્ષણો પરથી જાણી શકાય છે. જો ગુરુ ગ્રહ નબળો હોય તો જાતકને અભ્યાસમાં સમસ્યા આવે છે. અભ્યાસ છુટી જાય છે, આર્થિક તંગી કે હાનિ થઈ શકે છે. વ્યક્તિ ભ્રમની સ્થિતિમાં રહે છે. યોગ્ય નિર્ણય ન લઈ શકે. કરિયરમાં બાધા આવી શકે છે. મહેનત કર્યા પછી પણ સફળતા ન મળે. જાતક ઈચ્છે તો પણ સુખ ન ભોગવી શકે. સંપત્તિ સંબંધિત વિવાદ રહે. સમસ્યાના સમયમાં કોઈ સાથ ન આપે. વ્યક્તિ નાસ્તિક થઈ શકે અથવા અનૈતિક કામ કરવા લાગે.
ગુરુને મજબૂત કરવાના ઉપાય
જો કુંડળીમાં ગુરુ નબળો હોય તો વક્રી અવસ્થામાં તેની અશુભ અસર વધી જાય છે. વક્રી ગુરુના દુષ્પ્રભાવથી બચવા માટે કેટલાક ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી ગુરુ બળવાન બની શુભ ફળ આપવા લાગે છે. ગુરુ બળવાન થઈ જાય તો વ્યક્તિ કરિયરમાં પણ સફળતા પ્રાપ્તિ કરવા લાગે છે અને ભાગ્ય તેને દરેક કામમાં સાથ આપે છે. તેથી આજથી જ આ ઉપાય કરવા લાગો.
- ગુરુવારના દિવસે વ્રત કરો અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો.
- ગુરુવારે પીળી વસ્તુઓ જેમકે પીળા કપડા, ચણાના લોટથી બનેલી વસ્તુઓનું દાન કરો.
- મંદિરમાં પૂજાની સામગ્રીઓનું દાન કરી શકો છો.
- રક્ત દાન કરવાથી પણ શુભ ફળ મળી શકે છે.
- ગુરુવારે ગુરુના મંત્ર ઓમ ગ્રાં ગ્રીં ગ્રૌં સ: ગુરુવે નમ: મંત્રનો જાપ કરો.
- ગુરુવારે કેળાના ઝાડ નીચે ગાયના ઘીનો દીવો કરો.
- ગાયની સેવા કરો.
- જ્યોતિષ નિષ્ણાંતની સલાહ લઈ પોખરાજ રત્ન પણ ધારણ કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)