)
Shani Amavasya : શનિ રાજામાંથી રંક અને રંકમાંથી રાજા પણ બનાવે છે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, શનિ પનોતી જેમના માટે અશુભ બનતી હોય છે, તેમને શનિને કારણે પીડા અને કષ્ટ સહન કરવાનું આવે છે. આ લોકોને મુખ્યત્વે દેવું વધી જવું, વેપાર-નોકરીમાં અવરોધ, રોકાણમાં નુકસાન કે અચાનક સોદા તૂટી જવા, ભાઈ-ભાંડુ સાથે વિવાદ, મિલકત કે જમીન બાબતે કોર્ટ-કચેરીના મામલા બંધનો આવી શકે છે, તો વાયુને લગતા રોગો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યા, સાંધાના દુખાવા (વા) કે માનસિક તણાવ. જેવી સમસ્યાો આવી શકે છે.
શનિને રીઝવવા શનિ અમાવસ્યાએ કરો આ ઉપાય
શનિ પનોતી જેમને બેઠી છે, જેમકે સિંહ અને ધન રાશિને અઢી વર્ષની નાની પનોતી છે, તો મેષ, કુંભ અને મીન રાશિને સાડા સાત વર્ષની પનોતી બેઠી છે તેમને ખાસ ઉપાય કરવા જોઈએ. શનિ પીડા કષ્ટ નિવારણ માટે આ દિવસે શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પીડામાંથી મુક્તિ અને રાહત મેળવી શકાય છે.
શનિ અમાવસ્યાના વિશેષ ઉપાયો
વ્રત અને સંકલ્પ
શનિવારે સવારે સ્નાન કરી, શુદ્ધ થઈને પૂજા સ્થાનમાં બેસવું. પનોતી નિવારણ અને કાર્ય સિદ્ધિ માટે પ્રાર્થના કરી ઉપવાસનો સંકલ્પ કરવો. આ દિવસે દિવસ દરમિયાન દૂધ-ફ્રૂટ લઈ શકાય અને સાંજે એક સમય ભોજનમાં અડદની દાળ અને રોટલી લેવી.
મંત્ર જાપ અને પાઠ
સંધ્યાકાળે અથવા રાત્રે સૂતા પહેલા ૩ વાર હનુમાન ચાલીસા કરવી
શનિદેવનો પૌરાણિક મંત્ર: "નિલાંજનમ્ સમાભાસમ રવિ પુત્ર યમાગ્રજમ, છાયા માર્તન્ડ સંભૂતમ્ તમ નમામિ શનૈશ્વરમ!" (આ મંત્રની 1, 3 કે 7 માળા કરવી).
શનિ બીજ મંત્ર: "ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ" ની માળા કરવી. પીડા નિવારણની પ્રાર્થના સાથે કોઈ પણ મંત્રની દરરોજ સાંજે કે રાત્રે સૂતા પહેલા માળા કરવી.
પૂજન અને સ્થાપન
શનિ યંત્રની સ્થાપન કરી તેની વિધિવત પૂજા કરવી.
હનુમાનજી અને શનિદેવને તેલ, સિંદૂર, અડદ અથવા કાળા તલ અર્પણ કરવા.
દાન અને સેવા
યથાશક્તિ પ્રમાણે ગરીબોને ભોજન, અનાજ, કાળા વસ્ત્રો કે જૂના કપડાંનું દાન કરવું.
કાળા કામળા (બ્લેન્કેટ) અથવા લોખંડના વાસણોનું દાન કરવું.
કાળા અડદ, કાળા તલ અથવા તલના તેલનું દાન કરવું.
કાગડાઓને ભોજન કરાવવું અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી.
આ શાસ્ત્રીય ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરવાથી શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કષ્ટમાં રાહત મળે છે.