)
Senuran Muthusamy: સેનુરન મુથુસામીએ પોતાની ટેસ્ટ કરિયરની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમીને ભારતને ગુવાહાટીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં બેકફૂટ પર ધકેલી દીધું છે. સેનુરન મુથુસામીએ પોતાની ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારતાં ભારત સામે 203 બોલમાં 107 રનની ઇનિંગ્સ રમી છે. આ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં સેનુરન મુથુસામીનો બેસ્ટ સ્કોર અણનમ 89 રન હતો, જે તેમણે ઓક્ટોબર 2025માં પાકિસ્તાન સામે રાવલપિંડી ટેસ્ટ મેચમાં બનાવ્યો હતો.
મુથુસામીએ 6 વર્ષ પહેલાં વિરાટની વિકેટ લઈને કર્યું હતું ડેબ્યૂ
સેનુરન મુથુસામીએ 2 ઓક્ટોબર 2019ના રોજ ભારત સામે વિશાખાપટ્ટનમ ટેસ્ટ દ્વારા પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. સેનુરન મુથુસામીએ પોતાની પ્રથમ ટેસ્ટ વિકેટ વિરાટ કોહલીની લીધી હતી. સેનુરન મુથુસામીએ વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં વિરાટ કોહલીને કેચ એન્ડ બોલ્ડ આઉટ કર્યો હતો. સેનુરન મુથુસામીએ આ ટેસ્ટ મેચમાં આ એક જ વિકેટ લીધી હતી. જો કે, દક્ષિણ આફ્રિકા આ ટેસ્ટ મેચ 203 રનથી હારી ગયું હતું.
હવે સદી ફટકારીને ભારતીય ફેન્સને કર્યા નિરાશ
સેનુરન મુથુસામીની સદીની ઇનિંગ્સના દમ પર દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં વિશાળ સ્કોર તરફ પગલાં ભર્યા છે. દક્ષિણ આફ્રિકાએ બીજા સેશન સુધીમાં 7 વિકેટ ગુમાવીને 428 રન બનાવ્યા હતા. લેફ્ટી બેટ્સમેન સેનુરન મુથુસામીએ 203 બોલમાં 2 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 107 રન બનાવ્યા છે. આ તેમના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી છે. હાલમાં આ ખેલાડી માર્કો જાનસેન સાથે આઠમી વિકેટ માટે 99 બોલમાં 94 રન જોડી ચૂક્યો છે. સેનુરન મુથુસામીએ સદી ફટકારીને ભારતીય ફેન્સને નિરાશ કર્યા છે.
મુથુસામીએ મેચને ભારતની પકડથી દૂર કરી દીધી
ગુવાહાટીમાં ચાલી રહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એડન માર્કરમ અને રાયન રિકેલ્ટનની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 82 રનની પાર્ટનરશિપ બનાવી હતી. માર્કરમ 38 રન બનાવીને આઉટ થયો. આ જ સ્કોર પર રિકેલ્ટન (35) પણ પોતાની વિકેટ ગુમાવી બેઠો. અહીંથી ટ્રિસ્ટન સ્ટબ્સે કેપ્ટન ટેમ્બા બાવુમા સાથે ત્રીજી વિકેટ માટે 84 રન જોડીને ટીમને સંભાળી. ટેમ્બા 41 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા, જેના થોડા સમય બાદ સ્ટબ્સ (49) પણ પોતાની વિકેટ ગુમાવી હતી.
દક્ષિણ આફ્રિકાની ટીમ 246ના સ્કોર સુધીમાં પોતાની 6 વિકેટ ગુમાવી ચૂકી હતી. અહીંથી સેનુરન મુથુસામીએ કાઇલ વેરેન સાથે સાતમી વિકેટ માટે 88 રન જોડીને ટીમને 300ના આંકડાને પાર કરાવી. વેરેન 5 ચોગ્ગા સાથે 45 રન બનાવીને આઉટ થયો, ત્યારબાદ મુથુસામી 109 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે માર્કો જાનસેન 93 રન બનાવી શક્યો હતો. જાનસેન પોતાની સદી માત્ર 7 રનથી ચૂક્યો હતો. આ સાથે જ દક્ષિણ આફ્રિકા ટીમ 489 રન પર ઓલઆઉટ થઈ છે.