)
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે વિશ્વ વિજેતા છે. આ પહેલા બે વખત ફાઈનલમાં પહોંચી પણ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું અધૂરુ હતું, તેને હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ટીમે કરી દેખાડ્યું છે. તેનો શ્રેય ભલે કેપ્ટનની સાથે ટીમને જતો હોય, પરંતુ આ મહાગાથાની પટકથા હકીકતમાં એક વ્યક્તિએ લખી જે ક્યારેય ભારતીય ટીમ માટે રમી શક્યા નહીં. પ્રથમ શ્રેણીમાં રનનો ઢગલો કર્યો અને 11 હજારથી વધુ રન બનાવ્યા. ભલે પોતે ક્યારેય ટીમ ઈન્ડિયા માટે રમી શક્યા નહીં પરંતુ હવે ટીમને વિશ્વ વિજેતા બનાવી દીધી છે. અમે વાત કરી રહ્યાં છીએ મહિલા ટીમના કોચ અમોલ મઝુમદારની.
હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમે રવિવારની રાત્રે ઈતિહાસ રચી દીધો છે. મહિલા વિશ્વકપની ફાઈનલમાં 52 રનથી આફ્રિકાને હરાવી ટાઈટલ જીત્યું છે. વિશ્વ વિજેતા બન્યા બાદ હરમનપ્રીત કૌર કોચ અમોલ મઝુમદારને પગે લાગી હતી. તેણે તે વ્યક્તિને પ્રમાણ કર્યાં તેણે પડદાની પાછળ રહીને કામ કર્યું હતું. તે શિલ્પીના આશીર્વાદ લીધા.
અમોલ મઝુમદારે ઘરેલું ક્રિકેટમાં રનનો ઢગલો કર્યો હતો. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11167 રન છે, પરંતુ તેણે ક્યારેય ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું નહીં. બે દાયકા સુધી ઘરેલું ક્રિકેટમાં પોતાની મજબૂત બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. સચિન તેંડુલકર, વિનોદ કાંબલી જેવા દિગ્ગજો સાથે પણ મઝુમદાર રમ્યા હતા.
1994માં તેઓ ભારતીય અંડર-19 ટીમના ઉપ-કપ્તાન હતા. તેઓ રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સાથે ઇન્ડિયા એ માટે પણ રમ્યા હતા. મુંબઈ માટે રણજી ટ્રોફીમાં તેમના ડેબ્યૂમાં, તેમણે શાનદાર ૨૬૦ રન બનાવ્યા, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ભારતીય દ્વારા સૌથી વધુ સ્કોર હતો. લોકો તેમને ભવિષ્યના ક્રિકેટ સ્ટાર તરીકે જોતા હતા, પરંતુ તેમને ક્યારેય ભારત માટે રમવાની તક મળી ન હતી. આનું એક કારણ એ હોઈ શકે છે કે તેમના સમયમાં, ભારતનો મધ્યમ ક્રમ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી જેવા મહાન બેટ્સમેનોથી શણગારેલો હતો. મજુમદારે 2014માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, જેનાથી તેમની 21 વર્ષની ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો.
BCCIએ ઓક્ટોબર 2023મા અમોલ મઝુમદારને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બનાવ્યા હતા. 2 વર્ષની મહેનત બાદ તેમણે આ ટીમ તૈયાર કરી હતી. તેમણે ટીમને વિશ્વાસ અપાવ્યો કે આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ ખતમ કરી શકીએ છીએ. જે 2005 અને 2017મા ન થઈ શક્યું તે 2025મા કરી શકીએ છીએ.
11 નવેમ્બરે અમોલ મઝુમદાર પોતાના 51મા જન્મદિવસની ઉજવણી કરશે. ભારતીય ટીમ તરફથી તેમના માટે આ વિશ્વકપની ટ્રોફીથી સારી કોઈ ગિફ્ટ ન હોઈ શકે.
હરમનપ્રીત કૌર સેનાની ઐતિહાસિક સફળતા બાદ તેમણે કહ્યું- મારી પાસે શબ્દ નથી. ખૂબ ગર્વની ક્ષણ છે. તેમણે ખૂબ મહેનત અને વિશ્વાસની સાથે દરેક ભારતીયને ગર્વની તક આપી છે. આ વોટરશેડ મોમેન્ટ છે.