)
India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઇનલ મેચ રવિવારે રમાશે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારત એશિયા કપમાં સૌથી સફળ ટીમ છે, જેણે આઠ વખત ટાઇટલ જીત્યું છે. શ્રીલંકા છ ટાઇટલ સાથે બીજા ક્રમની સૌથી સફળ ટીમ છે. પાકિસ્તાને બે વાર એશિયા કપ જીત્યો છે. પાકિસ્તાન સામે એશિયા કપ 2025ની ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને બે મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો છે
ભારતના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા અને ડેશિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા છે. ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પાકિસ્તાન સામેની ફાઇનલ મેચ પહેલા હાર્દિક પંડ્યા અને અભિષેક શર્મા વિશે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. મોર્ને મોર્કેલ બંને ખેલાડીઓની ઇજાઓ અંગે ખૂબ ચિંતિત નહોતા. હાર્દિક પંડ્યા શ્રીલંકા સામે ફક્ત એક જ ઓવર ફેંકી શક્યો હતો. તેણે ઓવરના ચોથા બોલ પર કુસલ મેન્ડિસ (0)ને આઉટ કર્યો અને પછી હેમસ્ટ્રિંગની ઇજાના કારણે મેદાન છોડી દીધું.
અચાનક સામે આવી મોટી અપડેટ
મેચ પછી મોર્ને મોર્કેલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "હાર્દિકને ક્રેમ્પની સમસ્યા થઈ હતી. તેની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ અમે આગામી મેચનો નિર્ણય લઈશું." શ્રીલંકા સામે નવમી ઓવરમાં અભિષેક શર્મા સાથે પણ આ સમસ્યા જોવા મળી હતી. ત્યારબાદ તેણે ક્રેમ્પ દૂર કરવા માટે બરફ લગાવ્યો. મોર્ને મોર્કેલે કહ્યું, "આ ખેલાડીઓ માટે આરામ કરવો મહત્વપૂર્ણ છે. મેચ પછી તરત જ રિકવરી શરૂ થઈ. રિકવરીનો બેસ્ટ રસ્તો ઊંઘ અને આરામ છે. ખેલાડીઓ માટે વ્યક્તિગત પૂલ સેશનનું આયોજન કરવામાં આવશે."
ભારત ફાઇનલમાં પાકિસ્તાનને હરાવવા માટે તૈયાર
શુક્રવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી અંતિમ સુપર-4 મેચમાં ભારતે શ્રીલંકા સામે સુપર ઓવરમાં જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ પણ 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવી શકી હતી. મેચ સુપર ઓવરમાં ગઈ જ્યાં ભારત સરળતાથી જીતી ગયું. ભારતે એશિયા કપ 2025માં સતત 6 મેચ જીતી છે. હવે ભારતીય ટીમ રવિવારે ટાઇટલ મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે. ટીમ ઇન્ડિયાએ આ સિઝનમાં બે મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે. તેથી ચાહકોને આશા છે કે ફાઇનલ મેચમાં ભારત પાકિસ્તાન પર પ્રભુત્વ મેળવશે.