)
સૂર્યકુમાર યાદવના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ 28 સપ્ટેમ્બરના રોજ રવિવારે રમાયેલી એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ધૂર વિરોધી પાકિસ્તાનને 5 વિકેટથી હરાવી દીધુ અને રેકોર્ડ 9મી વખત એશિયા કપ જીત્યો. રિપોર્ટ્સ મુજબ એશિયા કપની પ્રાઈઝ મની આ વખતે 2.6 કરોડ રૂપિયા છે. જે ટીમ ઈન્ડિયાને મળશે. પરંતુ ચર્ચામાં તો બીસીસીઆઈની પ્રાઈઝ મની છે. કારણ કે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે જે પ્રાઈસ મનીની જાહેરાત કરી છે તે એશિયા કપની પ્રાઈઝ મનીથી પણ લગભગ 10 ગણી વધારે છે. બીસીસીઆઈએ એક્સ પર એશિયા કપની પ્રાઈસ મનીની જાહેરાત કરી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને ભરપૂર ટ્રોલ પણ કર્યું.
બીસીસીઆઈએ લખ્યું કે 3 વાર, 0 પ્રતિક્રિયા. એશિયા કપ ચેમ્પિયન. સંદેશો પહોંચ્યો. ટીમ અને સહયોગી સ્ટાફ માટે 21 કરોડ રૂપિયાની પુરસ્કાર રકમ.
3 blows.
0 response.
Asia Cup Champions.
Message delivered. ??21 crores prize money for the team and support staff. #AsiaCup2025 #INDvPAK #TeamIndia pic.twitter.com/y4LzMv15ZC
— BCCI (@BCCI) September 28, 2025
21 કરોડની રકમ જ કેમ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઓપરેશન સિંદૂર વખતે ભારતીય સેના તરફથી જે મેપ દેખાડવામાં આવ્યો હતો તે મુજબ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 21 આતંકી કેમ્પો સિલેક્ટ કરાયા હતા.
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે ભારત સામે 147 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. સાહિબજાદા ફરહાને અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાનની પહેલી વિકેટ 84 રનના સ્કોર પર પડી ત્યારબાદ ભારતીય સ્પીનરોએ એવી તે ફિરકી ચલાવી કે પાકિસ્તાન ફસાઈ ગયું. કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.
147 રનનો ટાર્ગેટ પણ ભારત માટે એવા સમયે પહાડ જેવો બની ગયો જ્યારે 20ના સ્કોર પર ટીમે અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલની વિકેટ ગુમાવી. ત્યારબાદ તિલક વર્મા, સંજૂ સેમસન અને શિવમ દુબેએ મજબૂત ઈનિંગથી ટીમ ઈન્ડિયાને જીત અપાવી. તિલક 69 રન સાથે છેલ્લે સુધી નોટઆઉટ રહ્યો અને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો.
મેચ બાદ થયો ડ્રામા
મેચ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ એસીસીના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડી દીધી અને આ ડ્રામા લગભગ 2 કલાક સુધી રહ્યો. ત્યારબાદ મોહસિન નકવી મેદાન છોડીને જતા રહ્યા અને થોડીવાર બાદ ટ્રોફી પણ ત્યાંથી ગાયબ થઈ ગઈ. બીસીસીઆઈએ પાકિસ્તાન પર એશિયા કપની ટ્રોફી અને મેડલ્સ ચોરવાનો પણ આરોપ લગાવ્યો છે. જો કે ભારતીય ખેલાડીઓની ઉજવણીમાં કોઈ પણ કમી જોવા મળી નહીં. સૂર્યા બ્રિગેડે ટ્રોફી વગર જ એશિયા કપની જીતની ઉજવણી કરી.