)
Ind vs Pak : આજે એશિયા કપ 2025ના બ્લોકબસ્ટર મુકાબલામાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. આ સુપર ફોર મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. આ બીજી વખત છે જ્યારે ભારત વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનો સામનો કરશે. 14 સપ્ટેમ્બરના રોજ, જ્યારે બંને ટીમો ટકરાઈ હતી, ત્યારે ભારતે સાત વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી.
ક્રિકેટ ચાહકો આ મુકાબલા માટે પ્લેઈંગ ઈલેવન પર ઉત્સુકતાથી નજર રાખી રહ્યા છે. પ્લેઈંગ ઈલેવન ટોસ પછી જ જાહેર કરવામાં આવશે. જોકે, ભારતીય ટીમમાં બે ફેરફારોની અપેક્ષા છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પિનર વરુણ ચક્રવર્તીને ઓમાન સામેની મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો.
જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી આ મેચમાં રમે તેવી શક્યતા છે. તેથી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને આ મેચમાં પડતા મુકવામાં આવી શકે છે. હર્ષિત અને અર્શદીપે ઓમાન સામેની મેચમાં હતા. જ્યારે, પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સામેની ગ્રુપ મેચમાં બંનેને તક મળી નહોતી.
આવું હશે ભારતીય ટીમનું કોમ્બીનેશન
પાકિસ્તાન સામેની આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમ ચાર બેટ્સમેન, બે બેટિંગ ઓલરાઉન્ડર, એક વિકેટકીપર, એક સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર, બે સ્પિનર અને એક ફાસ્ટ બોલરને મેદાનમાં ઉતારે તેવી અપેક્ષા છે. હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ ઉપરાંત, જીતેશ શર્મા અને રિંકુ સિંહ પણ આ મેચમાંથી બહાર રહેવાની સંભાવના છે.
ગ્રુપ મેચમાં ભારત સામેની હાર બાદ પાકિસ્તાની ટીમે ઓમાન સામે બે ફેરફાર કર્યા. ફાસ્ટ બોલર હરિસ રૌફ અને બેટિંગ ઓલરાઉન્ડર ખુશદિલ શાહને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. સ્પિનર સુફિયાન મુકીમ અને બોલિંગ ઓલરાઉન્ડર ફહીમ અશરફને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. પાકિસ્તાની ટીમ ઓમાન સામે મેદાનમાં ઉતારેલી પ્લેઇંગ 11 જાળવી રાખે છે કે કેમ તે જોવાનું રહેશે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11
ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
પાકિસ્તાન : સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, ફખર ઝમાન, સલમાન અલી આગા (કેપ્ટન), હસન નવાઝ, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રૌફ અને અબરાર અહેમદ.