)
Asia Cup 2025 : ભારતે એશિયા કપ 2025 જીતીને ફરી એકવાર એશિયન ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. પાકિસ્તાન સામેની ફાઇનલ મેચના હીરો તિલક વર્મા હતો. તેણે અંત સુધી અણનમ રહીને ભારતને યાદગાર વિજય અપાવ્યો. તિલક વર્માએ 53 બોલમાં 69 રન બનાવીને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ચાહકોમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડની રકમ રોકડમાં આપવામાં આવે છે કે ચેકમાં.
ચેક આપવાની પરંપરા
ટુર્નામેન્ટ ગમે તે હોય મેચ પછીના એવોર્ડ સમારોહમાં વિજેતાને સ્પોન્સરનો લોગો ધરાવતો મોટો, રંગબેરંગી ચેક આપવામાં આવે છે. આ ચેક સંપૂર્ણપણે પ્રતીકાત્મક છે અને તેનો ઉપયોગ ફક્ત પ્રચાર માટે થાય છે. તેને રોકડ કે જમા કરાવી શકાતો નથી. તે ફક્ત કેમેરા અને ચાહકોને દેખાય તે માટે રજૂ કરવામાં આવે છે.
પેમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે ?
સ્પોન્સર અથવા આયોજનકર્તા પૈસા સીધા ખેલાડીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. આ પ્રક્રિયા ઓનલાઈન છે, જેનાથી પેમેન્ટ સરળ અને સુરક્ષિત બને છે. જો કે, ખેલાડીને ઇનામ મળે તે પહેલાં BCCI અને ભારત સરકારના નિયમો અનુસાર, ઇનામમાંથી ટેક્સ કાપવામાં આવે છે. આનો અર્થ એ છે કે ક્રિકેટરને ટેક્સ પછીની રકમ મળે છે.
ટુર્નામેન્ટના નિયમો
પુરસ્કાર વિતરણની રીત પણ ટુર્નામેન્ટના સ્તર પર આધાર રાખે છે. એશિયા કપ, IPL અથવા ICC જેવી મોટી ટુર્નામેન્ટ માટે સ્પોન્સર અને ક્રિકેટ બોર્ડ વ્યાવસાયિક પેમેન્ટ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે, જ્યારે નાની સ્થાનિક અથવા પ્રાદેશિક ટુર્નામેન્ટ માટે પેમેન્ટ પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે. જોકે, ઇલેક્ટ્રોનિક બેંક ટ્રાન્સફર સામાન્ય છે.