)
Asia Cup 2025: એશિયા કપ 2025મા ભારતીય ટી20 કેપ્ટન કોણ હશે, તેને લઈને એક અપડેટ સામે આવ્યું છે. સૂર્યકુમાર યાદવ ભારતની T20I ટીમનો વર્તમાન કેપ્ટન છે, પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ તાજેતરમાં સમાપ્ત થયેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં શુભમન ગિલના શાનદાર પ્રદર્શને તેને રમતના ત્રણેય ફોર્મેટમાં ભારતની કમાન સંભાળવાનો દાવેદાર બનાવી દીધો. ક્રિકેટના જાણકારોનું માનવું છે કે ભવિષ્યને ધ્યાનમાં રાખતા 25 વર્ષીય ગિલને ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન બનાવી દેવો જોઈએ.
એશિયા કપમાં કોણ સંભાળશે ટીમની કમાન?
આ સપ્તાહની શરૂઆતમાં સમાચાર સામે આવ્યા હતા કે શુભમન ગિલને એશિયા કપ 2025મા ભારતીય ટી20 ટીમની કમાન સંભાળવાનું કહેવામાં આવી શકે છે. પરંતુ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક લેટેસ્ટ રિપોર્ટે બધાને ચોંકાવી દીધા છે. આ રિપોર્ટ અનુસાર સૂર્ય કુમાર યાદવ ભારતીય ટી20નો કેપ્ટન રહેશે, જેણે ગિલને આ ફોર્મેટની કમાન સોંપવાની ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવી દીધો છે.
ખુલી ગયું સૌથી મોટું રાઝ
રિપોર્ટ અનુસાર, મુંબઈના 34 વર્ષીય જમણા હાથના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, જે હાલમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં રિહેબ કરી રહ્યા છે, તે 19 ઓગસ્ટે બેંગલુરુથી મુંબઈ ઉડાન ભરશે અને એશિયા કપ 2025 માટે પસંદગી સમિતિની બેઠકમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માં શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની પસંદગી 19 ઓગસ્ટે મુંબઈમાં કરવામાં આવશે. પસંદગી સમિતિની બેઠક બાદ, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર એક પ્રેસ કોન્ફરન્સ કરશે.
બધી અફવાઓ પર વિરામ લાગ્યું
એક સૂત્રએ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું- પસંદગી સમિતિની બેઠકમાં ભારતનો ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામેલ થશે, જે બેંગલુરૂથી મુંબઈ માટે ઉડાન ભરશે. આ વાતથી તે ખાતરી થાય છે કે સૂર્યકુમાર જ ભારતની ટી20 ટીમની કમાન સંભાળશે.