)
ભારતે એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી ધોબીપછાડ આપીને જીત મેળવી પરંતુ આ જીત બાદ એક એવી ઘટના ઘટી જેણે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ઘસીને ના પાડી દીધી. હવે આ નિર્ણય પાછળનું કારણ સામે આવ્યું છે. જે સોશિયલ મીડિયા સાથે જોડાયેલું છે.
નક્વીએ શેર કરી હતી આવી પોસ્ટ
મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ખેલાડીઓએ નકવીના હાથે ટ્રોફી લીધી નહીં કારણ કે નકવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક એવી પોસ્ટ શેર કરી હતી જે આપત્તિજનક હતી. આ પોસ્ટમાં એક તસવીર ફાઈનલ ડે મથાળા સાથે હતી જેમાં પાકિસ્તાની ખેલાડીઓ જેમ કે કેપ્ટન સલમાન આગા અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રીદી, ફાઈટર જેટના બેકગ્રાઉન્ડમાં ફ્લાઈટ સૂટ પહેરેલા જોવા મળી રહ્યા હતા. આ તસવીર જોઈને ભારતીય ટીમને લાગ્યું કે આ એક ખેલ મુકાબલા કરતા સૈન્ય પ્રદર્શન વધુ છે. લાહોર કલેન્ડર્સે શેર કરેલી પોસ્ટને નકવીએ રિપોસ્ટ કરી હતી.

આ ઉપરાંત ટુર્નામેન્ટ દરમિયાન નકવીએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડનો એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં રોનાલ્ડો એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત હોવાનો ઈશારો કરી રહ્યો છે. જેવો હારિસ રાઉફે કર્યો હતો. આ પોસ્ટને ભારતીય ખેલાડીઓ અને મેનેજમેન્ટને ખેલ ભાવનાની વિરુદ્ધ લાગી. તેમને લાગ્યું કે નકવીનું વલણ એક ક્રિક્રેટ એડમિનિસ્ટ્રેટર તરીકે નહીં પરંતુ એક રાજનીતિક વ્યક્તિ તરીકે છે. જે ભારત વિરુદ્ધ ભડકાઉ પોસ્ટ કરી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાએ એ સ્પષ્ટ કરી દીધુ કે તેઓ ખેલને રાજકારણથી દૂર રાખવા માંગે છે. ખેલાડીઓનું માનવું હતું કે જો તેઓ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારે તો તેનો અર્થ એ હશે કે તેમના ભડકાઉ અને અયોગ્ય વ્યવહારનું સમર્થન કરી રહ્યા છે. વિરોધ જતાવવા માટે તેમણે નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડી દીધી. આ ઘટના દર્શાવે છે કે ભારતીય ખેલાડીઓ ખેલના મેદાન પર અને બહાર પણ પોતાના સિદ્ધાંતો પર અડગ રહે છે.