)
Vaibhav Suryavanshi: ઓસ્ટ્રેલિયાની અંડર 19 ટીમ સામે 14 વર્ષના તોફાની ઓપનર વૈભવ સૂર્યવંશીએ વધુ એક કમાલ કરી બતાવ્યો છે. આ વિસ્ફોટક બેટ્સમેને બીજા યુથ વનડેમાં 6 છગ્ગાની મદદથી 70 રન બનાવ્યા અને તેની સાથે જ તેમણે એક મોટો રેકોર્ડ પોતાના નામ કર્યો છે. વૈભવ સૂર્યવંશીએ યુથ વનડે મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારીને રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વૈભવે અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઉન્મુક્ત ચંદને પાછળ છોડ્યો છે, જેમના નામે 38 છગ્ગા હતા અને હવે વૈભવના નામે 41 છગ્ગા થઈ ગયા છે.
સૂર્યવંશીએ રેકોર્ડ સ્પીડથી તોડ્યો છગ્ગાનો રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીએ 41 છગ્ગા પણ રેકોર્ડતોડ સ્પીડમાં ફટકાર્યા છે. ઉન્મુક્ત ચંદને 38 છગ્ગા ફટકારવા માટે 21 મેચ રમ્યા હતા, જ્યારે વૈભવે માત્ર 10 મેચમાં જ તેમનાથી વધુ છગ્ગા ફટકાર્યા છે. સૂર્યવંશીએ યુથ વનડેમાં અત્યાર સુધીમાં 540 રન બનાવ્યા છે, જેમાંથી એક ચતુર્થાંશથી વધુ, અથવા 26% રન તેમણે બાઉન્ડ્રીથી બનાવ્યા છે. ભારતીયોમાં વૈભવ અને ઉન્મુક્ત ચંદ પછી યશસ્વી જયસ્વાલનો નંબર આવે છે, જેમણે યુથ વનડેમાં 30 છગ્ગા ફટકાર્યા હતા.
સદી ચૂકી ગયો સૂર્યવંશી
વૈભવ સૂર્યવંશી ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની પહેલી મેચમાં અડધી સદીથી ચૂકી ગયો હતો, પરંતુ બીજી મેચમાં તે સદીથી ચૂકી ગયો હતો. સૂર્યવંશીએ 68 બોલમાં 70 રનની ઈનિંગ રમી હતી. એક સમયે એવું લાગતું હતું કે, તે સરળતાથી તેની સદી સુધી પહોંચી જશે, પરંતુ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર આર્યન શર્માએ શાનદાર કેચ પકડ્યો.
અભિષેક શર્માને કાંટાની ટક્કર આપશે સૂર્યવંશી
હાલમાં અભિષેક શર્માનું નામ તાબડતોબ છગ્ગા મારવાની માટે જાણીતું છે, પરંતુ અંડર-19 ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીના નામની બોલબાલા છે. માત્ર અંડર 19માં જ નહીં, આ ખેલાડીએ IPLમાં પણ પોતાની ક્ષમતા બતાવી ચૂક્યો છે, પોતાની ડેબ્યૂ સિઝનમાં વૈભવે 24 છગ્ગા ફટકારીને 252 રન બનાવ્યા હતા. તેમની સ્ટ્રાઇક રેટ 206.55 રહી હતી. એ સ્પષ્ટ છે કે આગામી સમયમાં અભિષેક અને વૈભવ સૂર્યવંશી વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.