હાર્દિક પંડ્યાની સરખામણી કપિલ દેવ સાથે કરાતા સણસણતો જવાબ આપ્યો અઝહરે

હાલમાં હાર્દિક સારું પ્રદર્શન કરી રહ્યો છે જેના કારણે તેની સરખામણી કપિલ સાથે થવા લાગી છે

Updated By: Jan 31, 2018, 11:03 AM IST
હાર્દિક પંડ્યાની સરખામણી કપિલ દેવ સાથે કરાતા સણસણતો જવાબ આપ્યો અઝહરે
કોલકાતામાં ખેલો ઇન્ડિયાની શરૂઆત વખતે અઝહરુદ્દીન. તસવીર : પીટીઆઇ

કોલકાતા : હાલમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા રમતના મેદાન પર બહુ સારો દેખાવ કરી રહ્યો છે જેના કારણે તેની સરખામણી ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ સાથે થવા લાગી છે. જોકે આ સરખામણી ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને ખાસ પસંદ પડી નથી લાગતી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મહાન ખેલાડી કપિલ દેવ સાથે સરખામણી પર આકરી પ્રતિક્રિયા આપીને આ સરખામણીને બકવાસ ગણાવી છે અને સણસણતો જવાબ આપીને કહ્યું છે કે બીજો કપિલ દેવ જન્મી શકે નહીં.

ભારે મહેનતુ કપિલ
અઝહરુદ્દીનને જ્યારે બંને ઓલરાઉન્ડર ખેલાડીઓની તુલના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આ સરખામણી યોગ્ય નથી કારણ કે, બીજો કોઈ કપિલદેવ પેદા થઈ શકે નહીં. બીજો કપિલ દેવ લાવવો મુશ્કેલ છે. જે મેહનતે તેણે એ જમાનામાં કરી હતી તે જબરદસ્ત છે. તે એક દિવસમાં 20-25 ઓવર બોલિંગ કરતો હતો. હવે ઘણા બોલર્સ આવું કરી શકતા નથી.

હાર્દિક ચમક્યો
તાજેતરમાં હાર્દિકે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને આ જ કારણે તેની સરખામણી કપિલ સાથે થવા લાગી છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં પણ શાનદાર દેખાવ કર્યો છે. અઝહરે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં મળેલી 63 રનની જીતની પ્રશંસા કરી. જોકે, આ સીરીઝમાં ભારતને 1-2થી હારનો સામનો કરવો પડ્યો. અઝહર બીજી ટેસ્ટમાં અજિંક્ય રહાણે અને ભુવનેશ્વર કુમારને ન રમાડવાના કેપ્ટન કોહલીના નિર્ણયથી નાખુશ દેખાયો.