બચ્ચને મેરી કોમને આપ્યા અભિનંદન, કહ્યું - તમારા આપેલા ગ્લોવ્સ મારા ગોલ્ડ મેડલ

અમિતાભ બચ્ચને મેરી કોમ દ્વારા ભેટમાં આપવામાં આવેલા ગ્લોવ્સનો એક ફોટો પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે અને તેનો આભાર વ્યક્ત કર્યો છે 

Updated By: Nov 26, 2018, 06:58 PM IST
બચ્ચને મેરી કોમને આપ્યા અભિનંદન, કહ્યું - તમારા આપેલા ગ્લોવ્સ મારા ગોલ્ડ મેડલ
મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેરી કોમ છઠ્ઠી વખત ટાઈટલ જીતી છે અને આટલા ટાઈટલ જીતનારી વિશ્વની પ્રથમ મહિલા બની છે. (ફોટો - DNA)

નવી દિલ્હીઃ મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી મેરી કોમના વિજયથી ભારતીય ફિલ્મ ઉદ્યોગ પણ આનંદિત છે. ફિલ્મી હસ્તીઓ પણ આ પ્રસંગે તેના પર અભિનંદનની વર્ષા કરી હતી. અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા, એસ.એસ. રાજામૌલી જેવી હસ્તીઓએ પણ મેરી કોમની પ્રશંસા કરી છે. 

મેરી કોમે શનિવારે (24 નવેમ્બર)ના રોજ અહીં ઈન્દિરા ગાંધી સ્ટેડિયમના કે.ડી. જાધવ હોલમાં 10મી આઈબી મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપના 48 કિગ્રામ વર્ગની ફાઈનલમાં યુક્રેનની હના અખોટાને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

'સુપર મોમ' તરીકે ઓળખાતી એમ.સી. મેરી કોમે આ ટાઈટલ જીતવાની સાથે જ ક્યુબાની ફેલિક્સ સેવોનની સાથે વિશ્વની સૌથી સફળ બોક્સર બની ગઈ છે. સોશિયલ મીડિયા ઉપર તેના પર શુભેચ્છાઓના સંદેશાનું જાણે કે પૂર આવ્યું છે. અભિનંદન આપનારા લોકોમાં બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે. 

અમિતાભ બચ્ચને મેરી કોમના ગ્લોવ્સનો એક ફોટો પોતાના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. અમિતાભે લખ્યું છે, "મેરી કોમ... મારા દેશનું કેટલું સન્માન વધાર્યું છે.. છ વખત ગોલ્ડ મેડલ વર્લ્ડ ચેમ્પિયનશિપ વિજેતા.... અભિનંદન... હું હવે આ ગ્લોવ્સને ખુબ જ માન આપું છું, જે તમે મને ગીફ્ટમાં આપ્યા હતા. મારા માટે એ ગ્લોવ્સ ગોલ્ડ મેડલ સમાન છે."

ઉલ્લેખનીય છે કે મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2001માં ડેબ્યુ કરીને પ્રથમ વખત સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યાર બાદ 2002, 2005, 2006, 2008, 2010 અને 2018માં તેણે મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મેરી કોમે તેને મળેલા અભિનંદનો પ્રત્યે તમામ લોકોનો આભાર માન્યો હતો. 

તેણે જણાવ્યું કે, "સૌથી પહેલા હું મારા તમામ પ્રશંસકોનો આભાર માનું છું. મારી પાસે તમને આપવા માટે કશું જ નથી. હું માત્ર દેશને ગોલ્ડ મેડલ આપી શકું છું. મારા માટે આ જ મહત્વનું છે. આજે હું વધારે લાગણીશીલ બની હતી. કેમ કે છેલ્લા કેટલાક વર્ષોથી હું 48 કિલો વર્ગમાં રમી શકતી ન હતી. હવે, મારે અન્ય શ્રેણીમાં જવું પડશે."

મેરી કોમે વધુમાં જણાવ્યું કે, "મારા માટે આ મેચ ખુબ જ મોટો પડકાર હતી. તમારા સૌના પ્રેમ અને સમર્થનને કારણે જ હું અહીં પહોંચી છું. મને આશા છે કે, ટોકિયો ઓલિમ્પિક, 2020 માટે હું ક્વોલિફાય કરી શકીશ. રિયો ઓલિમ્પિક માટે હું ક્વોલિફાય કરી નહીં શકું, કેમ કે અત્યારે મારી તબિયત સારી નથી.હું 48 કિગ્રા વર્ગમાં તો ગોલ્ડ જીતી શકું છું, પરંતુ 51 કિગ્રામ વર્ગમાં આ મારા માટે મુશ્કેલ કામ છે. કેમ કે અન્ય બોક્સરોને મારી અસ્વસ્થતાનો ફાયદો મળે છે."