)
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેનાથી ભારત લાલઘૂમ છે. હાલમાં જ દીપુ દાસની નિર્મમ હત્યા કરીને ઝાડ પર લટકાવી બાળી મૂકવામાં આવ્યો. અનેક હિન્દુઓ અત્યાચારનો ભોગ બની રહ્યા છે અને કેટલાયના ઘર સળગાવી માર્યા છે. ત્યારબાદ આ સ્થિતિમાં દેશમાં ભારે આક્રોશના માહોલ વચ્ચે આઈપીએલમાં બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝૂર રહેમાનને હટાવવાની માંગણી આગળ બીસીસીઆઈએ નમતું જોખવું પડ્યું છે. શનિવારે બોર્ડે કેકેઆરને આ લેફ્ટી પેસરને રિલીઝ ક રવાનું ફરમાન જારી કરી દીધુ. સ્પષ્ટ છે કે હવે આ બાંગ્લાદેશી ખેલાડી આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી શકશે નહીં. પરંતુ બોર્ડના આ નિર્ણય બાદ હવે વધુ એક સવાલ ઊભો થયો છે.
આ મુદ્દે શું નિર્ણય લેશે બીસીસીઆઈ?
બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝૂર રહેમાનને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યા બાદ આ મામલો ઠંડો પડે તેવું લાગતું નથી. હવે અહીંથી બીસીસીઆઈ સામે વધુ એક મોટો સવાલ મો વકાસીને ઊભો રહી ગયો છે. તમને થશે કે એવું તે શું છે પરંતુ શું રહેમાનને કાઢ્યા બાદ બીસીસીઆઈ આ વર્ષે પ્રસ્તાવિક કાર્યક્રમ મુજબ ભારતીય ટીમને બાંગ્લાદેશ પ્રવાસે મોકલશે ખરી? જો કે બાંગ્લાદેશના પ્રવાસને હજુ ઘણી વાર છે. પરંતુ આ સવાલ બીસીસીઆઈનો અહીંથી સતત પીછો કર્યા કરશે. સ્પષ્ટ છે કે આ નિર્ણય બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની પણ પ્રતિક્રિયા આવશે અને બાંગ્લાદેશી ફેન્સ પણ રિએક્ટ કરશે. આ સાથે જ આ મામલાને બાંગ્લાદેશના રાજનીતિક લોકો પણ પોતાના દ્રષ્ટિકોણથી જોશે. આવામાં સવાલના જવાબ પર નજર રહેશે કે બીસીસીઆઈ પ્રસ્તાવિત પ્રવાસ પર શું નિર્ણય લેશે.
ટીમ ઈન્ડિયાનો શું છે પ્રસ્તાવિત કાર્યક્રમ?
આ વર્ષના અંતમાં કહો કે સપ્ટેમ્બર મહિનામાં ભારતીય ટીમ બાંગ્લાદેશ જશે જ્યાં 3 વનડે અને એટલી જ ટી20 મેચની સિરીઝ રમશે. વનડે મેચ ક્રમશ: 1, 3 અને 6 સપ્ટેમ્બરે રમાશે. જ્યારે ટી20 મેચ 9, 12 અને 13 સપ્ટેમ્બરે રમાશે. સ્પષ્ટ છે કે હજુ તો સપ્ટેમ્બરમાં સિરીઝને 8-9 મહિના બાકી છે. પરંતુ જેવી સ્થિતિ બાંગ્લાદેશમાં જોવા મળી રહી છે અને જે રીતે બીસીસીઆઈએ જનમાનસના દબાણમાં આ નિર્ણય લીધો છે તેને જોતા બોર્ડ આ પ્રસ્તાવિત પ્રવાસ વિશે પણ જલદી નિર્ણય લઈ શકે છે. કારણ કે આ પ્રકારની સ્થિતિ બાદ બાંગ્લાદેશ જવું સરળ તો નહીં રહે.