)
BCCI Chief Selector Ajit Agarkar : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં હાલ પરિવર્તનનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે હવે એક અધિકારી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરનો કાર્યકાળ જૂન 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. અગરકરે જૂન 2023માં આ પદ સંભાળ્યું અને તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે ICC ટ્રોફીની લાંબી રાહનો અંત લાવ્યો.
BCCIએ મોટો નિર્ણય લીધો
અગરકરના કાર્યકાળ દરમિયાન ભારતે આ વર્ષની શરૂઆતમાં 2024 T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પણ જગ્યા બનાવી હતી અને ટેસ્ટ ટીમમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા હતા. ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, અગરકરનો કરાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા રિન્યુ કરવામાં આવ્યો હતો.
અગરકરના કાર્યકાળ દરમિયાન દિગ્ગજોએ નિવૃત્તિ લીધી
BCCIના એક અધિકારીએ કહ્યું, "તેમના કાર્યકાળ દરમિયાન, ભારતીય ટીમે ટાઇટલ જીત્યા છે અને ટેસ્ટ અને T20 ટીમોમાં પણ ફેરફાર થયો છે. BCCI એ તેમનો કરાર જૂન 2026 સુધી લંબાવ્યો હતો અને તેમણે થોડા મહિના પહેલા આ ઓફર સ્વીકારી હતી." અગરકરની દેખરેખ હેઠળ, ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલી, રોહિત શર્મા અને અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓના જવા જેવા મુશ્કેલ સમયનો પણ સામનો કરવો પડ્યો. અશ્વિન બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, જ્યારે રોહિત અને વિરાટ હવે ફક્ત ODમાં જ રમશે. આ દરમિયાન શુભમન ગિલને ટેસ્ટ અને સૂર્યકુમાર યાદવને T20ના નવા કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
એસ. શરથને દૂર કરવામાં આવી શકે છે
અજીત અગરકર ઉપરાંત વર્તમાન પસંદગી સમિતિમાં એસ.એસ. દાસ, સુબ્રતો બેનર્જી, અજય રાત્રા અને એસ. શરથનો સમાવેશ થાય છે. જો કે, એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બરમાં યોજાનારી વાર્ષિક સામાન્ય સભા પછી વરિષ્ઠ પસંદગી સમિતિમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. બોર્ડ તેમના સ્થાને એક નવો ચહેરો લાવી શકે છે.
મહિલા અને જુનિયર પસંદગી સમિતિઓ માટે અરજીઓ મંગાવવામાં આવી
આ ઉપરાંત, BCCI સિનિયર મહિલા અને જુનિયર પુરુષોની પસંદગી સમિતિઓ માટે પણ અરજીઓ મંગાવશે. મહિલા સમિતિના અધ્યક્ષ નીતુ ડેવિડ તેમના સાથી સભ્યો આરતી વૈદ્ય અને મિથુ મુખર્જી સાથે પસંદગીકાર તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. બોર્ડના નિયમો અનુસાર, સભ્યો ફક્ત પાંચ વર્ષ માટે જ આ પદ સંભાળી શકે છે. આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ એક મહત્વપૂર્ણ સમય છે. જુનિયર પસંદગી સમિતિમાં તિલક નાયડુ, રણદેવ બોઝ, હરવિંદર સિંહ સોઢી, પથિક પટેલ અને કૃષ્ણ મોહનનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે બોર્ડ જુનિયર પસંદગી સમિતિમાં પણ કેટલાક ફેરફારો કરવાનું વિચારી રહ્યું છે.