)
BCCI New Rule: BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા. BCCIએ 45 વર્ષીય મિથુન મન્હાસને BCCIના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહને મેન્સ નેશનલ ટીમની સિલેક્શન કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. મિથુન મન્હાસને અન્ય પદાધિકારીઓ સાથે BCCI અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. તેઓ BCCIના 37મા પ્રમુખ છે. મન્હાસનું નામ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતું. હવે, આજે AGMમાં BCCIના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
મિથુન મન્હાસે લીધું રોજર બિન્નીનું સ્થાન
મિથુન મન્હાસ BCCIના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા પ્રથમ અનકેપ્ડ ખેલાડી છે. તેમણે દિલ્હી માટે ઘરેલુ ક્રિકેટ રમી હતી, પરંતુ ક્યારેય પણ ટીમ ઈન્ડિયા માટે રમી શક્યા નથી. તેમણે રોજર બિન્નીનું સ્થાન લીધું, જેમણે ગયા મહિને 70 વર્ષના થયા પછી રાજીનામું આપ્યું હતું. મન્હાસે ઘરેલુ ક્રિકેટમાં 157 ફર્સ્ટ-ક્લાસ મેચ, 130 લિસ્ટ A મેચ અને 55 ICC મેચ રમી હતી. તેમણે લગભગ 18 વર્ષ સુધી ક્રિકેટ રમ્યું છે.
દિલ્હીની અમિતા શર્માને મહિલા સિલેક્શન કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈની સુલક્ષણા નાઈક અને હૈદરાબાદની શ્રાવંતી નાયડુને મહિલા સિલેક્ટર કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. એસ. શરથને જુનિયર સિલેક્શન પેનલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શરથ 2023થી સિનિયર પેનલનો ભાગ છે.
BCCIનો નવો નિયમ
BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોઈપણ અંડર-16 ખેલાડી IPLમાં રમી શકશે નહીં, જ્યાં સુધી કે તેણે ઓછામાં ઓછી એક મેચ માટે રણજી ટ્રોફીમાં પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ ન કર્યું હોય. એવું માનવામાં આવે છે કે, BCCIએ આ નવો નિયમ ઘરેલુ ક્રિકેટને પ્રાથમિકતા આપવા માટે રજૂ કર્યો છે, જેથી યુવા ખેલાડીઓ ફક્ત IPL કે T20 ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત ન કરે, પરંતુ ઘરેલુ ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટને સમાન મહત્વ આપે. નોંધનીય છે કે, વૈભવ સૂર્યવંશી IPLમાં રમનાર સૌથી યુવા ખેલાડી છે. વૈભવે 14 વર્ષની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે, IPLમાં રમતા પહેલા વૈભવ ઘરેલુ ક્રિકેટમાં બિહારનું પ્રતિનિધિત્વ કરતો હતો.