)
Asia Cup 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફના અભદ્ર વર્તન અને સાહિબજાદા ફરહાનના ગન સેલિબ્રેશનની ICCને ફરિયાદ કરી હતી. આ મામલાની સુનાવણી થઈ અને હવે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. હરિસે ભારત સામેની મેચ દરમિયાન અનેક વાંધાજનક ઈશારા કર્યા હતા. હવે ICCએ હરિસ સામે કાર્યવાહી કરી છે, જેને ભારતની જીત પણ કહી શકાય છે.
ICCએ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફ પર દંડ ફટકાર્યો છે. હરિશને મેચ ફીના 30 ટકા દંડ ભરવો પડશે. જ્યારે સાહિબજાદા ફરહાનને પણ ફટકાર લગાવવામાં આવી છે. ફરહાનને દંડ ફટકારવામાં આવ્યો નથી, પરંતુ તેમને ફક્ત ઠપકો આપવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાન ટીમના હોટલમાં જ મામલાની સુનાવણી થઈ હતી. ICCના મેચ રેફરી રિચી રિચર્ડસને શુક્રવારે પાકિસ્તાન ટીમની હોટલમાં સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન બન્ને ખેલાડીઓને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. બન્ને ખેલાડીઓના જવાબો પણ લેખિતમાં લેવામાં આવ્યા હતા. સુનાવણીમાં પાકિસ્તાન ટીમના મેનેજર નવીદ અકરમ ચીમા પણ હાજર હતા.
ટુર્નામેન્ટના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, "ICC મેચ રેફરી રિચી રિચર્ડસને શુક્રવારે બપોરે ટીમ હોટલમાં તેમની સુનાવણી પૂર્ણ કરી. આક્રમક વર્તન બદલ હરિસ રઉફને તેમની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે સાહિબજાદા ફરહાનને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યો છે."
હવે દેશભક્તિ પણ ગુનો છે શું?
જ્યારે બીજી તરફ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સતત પાંચ મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ફરિયાદને લઈ ICCએ સૂર્યકુમાર યાદવ સામે કાર્યવાહી કરી છે અને તેમને દંડ ફટકાર્યો છે.
સૂર્યકુમાર યાદવને ફટકાર્યો મેચ ફીના 30 ટકાનો દંડ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકાર્યો છે. BCCIએ ICCના આ નિર્ણયને પડકાર્યો છે. યાદવે ગ્રુપ મેચનો વિજય પહેલગામ હુમલાના પીડિતો અને ભારતીય સેનાને સમર્પિત કર્યો હતો. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી માળખાનો મોટાભાગે નાશ કરવામાં આવ્યો હતો. PCBએ સૂર્યકુમાર યાદવના નિવેદનને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું હતું અને ICCમાં ફરિયાદ નોંધાવી હતી.
શું હતો આખો મામલો?
ભારત સામે ૨૧ સપ્ટેમ્બરના રોજ મેચ દરમિયાન હરિસ રઉફે ભારતીય સમર્થકોએ "કોહલી કોહલી"ના નારા લગાવ્યા બાદ ભારતીય સૈન્ય કાર્યવાહીની મજાક ઉડાવી અને વિમાન તોડી પાડ્યા હોવાનો ઈશારો કર્યો હતો. હરિસ રઉફે મેચ દરમિયાન ભારતીય ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલને પણ ગાળો આપી હતી, જેનો જવાબ બન્ને યુવા ક્રિકેટરોએ તેમની શાનદાર બેટિંગથી આપ્યો હતો.
આ જ મેચમાં પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાને બેટને મશીનગનની જેમ ઉપયોગ કરતા બંદૂક ઈશારાથી સેલિબ્રેશન કર્યું હતું, જેની ખૂબ જ ટીકા થઈ. ફરહાને મેચ પછી કહ્યું કે, આ ઉજવણી ફક્ત એક ક્ષણ હતી. "મેં 50 રન પૂરા કર્યા બાદ ઉજવણી કરી ન હતી અને અચાનક મને વિચાર આવ્યો કે, મારે આજે ઉજવણી કરવી જોઈએ અને મેં તે જ કર્યું. મને ખબર નથી કે લોકો તેને કેવી રીતે લેશે, અને મને કોઈ પરવા પણ નથી."