)
Bengaluru stampede case : સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે (CAT) 4 જૂને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ માટે RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)ને જવાબદાર ઠેરવ્યું છે. ટીમે અચાનક પોલીસની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર વિજય સરઘસ કાઢવાની જાહેરાત કરી હતી, જેના કારણે લાખોની ભીડ એકઠી થઈ હતી. આ ભાગદોડમાં 11 લોકો મૃત્યુ પામ્યા હતા.
ટ્રિબ્યુનલે તેની ટિપ્પણીમાં કહ્યું, 'પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે લગભગ ત્રણથી પાંચ લાખ લોકોની ભીડ એકઠી કરવા માટે RCB જવાબદાર છે. RCB એ પોલીસ પાસેથી યોગ્ય પરવાનગી કે સંમતિ લીધી નહોતી. અચાનક સોશિયલ મીડિયા પર માહિતી પોસ્ટ કરવામાં આવી અને તેના પરિણામે લોકો એકઠા થયા.'
ટ્રિબ્યુનલે RCB દ્વારા સમારોહની અચાનક જાહેરાતને 'અરાજકતા ફેલાવવી' ગણાવી. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'RCB એ અચાનક કોઈ પણ પૂર્વ પરવાનગી વિના આ પ્રકારની અરાજકતા ઊભી કરી. એવી અપેક્ષા રાખી શકાય નહીં કે માત્ર 12 કલાકમાં પોલીસ કાયદા અથવા અન્ય નિયમો અનુસાર તમામ જરૂરી વ્યવસ્થા કરી શકશે.' વધુમાં ટ્રિબ્યુનલે સ્પષ્ટપણે કહ્યું કે પોલીસ પાસે અલાદ્દીનનો ચિરાગ નથી કે ટૂંકા સમયમાં વ્યવસ્થા કરી શકે.
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ચાહકોની ભીડ
ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું કે પોલીસને યોગ્ય તૈયારીઓ માટે પૂરતો સમય આપવામાં આવ્યો નહોતો. 4 જૂન 2025ના રોજ સમયના અભાવે, પોલીસ જરૂરી વ્યવસ્થા કરી શકી નહોતી. પોલીસને પૂરતો સમય મળ્યો નહોતો.' બેંગલુરુના એક પોલીસ અધિકારી દ્વારા તેમના સસ્પેન્શન સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી હતી.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 3 અને 4 જૂનની રાત્રે, મોટી સંખ્યામાં લોકો પહેલાથી જ હાજર હતા, જેમને સંભાળવામાં પોલીસ વ્યસ્ત હતી. ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં બીજો એક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હતો, જેનાથી પોલીસ દળ પર વધુ દબાણ આવ્યું. ટ્રિબ્યુનલે તારણ કાઢ્યું કે પોલીસને આવી ભીડને નિયંત્રિત કરવા અને જરૂરી વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય અને અગાઉથી માહિતી આપવી જોઈતી હતી, જે આ કેસમાં આપવામાં આવી નહોતી.