નિવૃત્તિની વાતો પર આખરે જાડેજાએ તોડી ચૂપ્પી, ટ્રોફી જીત્યા બાદ શું કહી દીધુ તે ખાસ જાણો
રોહિત શર્માની સાથે સાથે રવિન્દ્ર જાડેજાની પણ નિવૃત્તિ વિશે ભાત ભાતની વાતો થઈ રહી હતી. આખરે જાડેજાએ પોતે જ આ મુદ્દે ઈશારામાં જવાબ આપી દીધો છે. જાણો શું કહ્યું.
Trending Photos
રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ખિતાબ પોતાના નામે કરી લીધો છે. મહત્વની વાત છે કે આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા અજેય રહી છે એટલે કે એક પણ મેચ હારી નથી. 9 માર્ચના રોજ ટુર્નામેન્ટ ફાઈનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવી દીધુ. અનેક રિપોર્ટ્સમાં એવો દાવો થઈ રહ્યો હતો કે આ જીત બાદ ભારતીય સ્પીન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે. જો કે હવે ટુર્નામેન્ટ બાદ જાડેજાએએ હવે પોતે જ આ સવાલનો જવાબ ઈશારામાં આપી દીધો છે.
જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે નિવૃત્તિ જેવા કોઈ શબ્દનો ઉલ્લેખ તો નથી કર્યો પરંતુ લોકોને ઈશારામાં કહી દીધુ છે કે તેમની નિવૃત્તિને લઈને કોઈ અફવા ફેલાવવામાં ન આવે. જાડેજાનો ઈરાદો હજુ પણ આગળ ક્રિકેટ રમવાનો છે. વાત જાણે એમ છે કે જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી જેમાં તેમણે ફક્ત એટલું જ લખ્યું છે કે 'બિનજરૂરી અફવાઓ ન ફેલાવો, આભાર'. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટ દ્વારા જાડેજાએ પોતાના સંન્યાસની ખબરોને અફવાઓ ગણાવી દીધી છે.
અત્રે જણાવવાનું કે ફાઈનલ મેચમાં 36 વર્ષના જાડેજા બોલિંગમાં 30 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે બેટિંગમાં પણ તેઓ 8માં નંબરે બેટિંગ કરવા આવ્યા હતા. ત્યારબાદ જાડેજાએ 6 બોલ પર અણનમ 9 રન કરીને ટીમને જીત અપાવી હતી. જાડેજાએ જ 49મી ઓવરમાં છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને મેચ જીતાડી હતી.
કેપ્ટન રોહિતે પણ કરી નિવૃત્તિ પર વાત
જાડેજા ઉપરાંત કેપ્ટન રોહિત શર્માની પણ નિવૃત્તિઓ વિશે અટકળો થઈ રહી હતી. પરંતુ કેપ્ટને પણ સ્પષ્ટ કરી દીધુ કે તેઓ નિવૃત્તિ લેવાના નથી. 37 વર્ષના રોહિતે મેચ બાદ નિવૃત્તિના સવાલ પર કહ્યું કે, કોઈ ફ્યૂચર પ્લાન થી, જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે. હું આ ફોર્મેટમાંથી (વનડે) નિવૃત્તિ લેવાનો નથી, કોઈ અફવાઓ ન ફેલાવો.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવી દીધુ. આ ખિતાબી મુકાબલામાં ન્યૂઝીલેન્ડની ટીમે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. ભારતીય ટીમે સૌથી વધુ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે